Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મંદતાથી વધે અને બહુત્વથી ન્યૂન થાય છે. આ પ્રકારે કષાયથી સ્થિતિ અને અનુભાગબંધનું સ્વરૂપ નક્કી થાય છે.
કષાયના અભાવમાં કર્મપરમાણુઓ આત્માની સાથે સંબદ્ધ રહી શકતાં નથી. કર્મપરમાણુને ખેંચવું અને ટકાવવું આ બે જુદી બાબત છે. મન-વચન-કાયાની ચંચળતા દ્વારા, એટલે કે યોગ દ્વારા કર્મપરમાણુઓ આકર્ષિત થાય છે અને કષાય દ્વારા તે ટકી રહે છે, અર્થાત્ કષાય દ્વારા તેને બાંધેલાં રાખી શકાય છે. કષાય જેટલા તીવ્ર હોય તેટલા લાંબા સમય સુધી કર્મપરમાણુ આત્માની સાથે ચોંટેલાં રહે છે.
કેવળી ભગવંતોને યોગક્રિયાથી માત્ર શાતા વેદનીયનો સમયસ્થાયી બંધ છે, કારણ કે તેમને કષાયનો સદ્ભાવ નથી. કેવળી ભગવંતોને કષાય નથી હોતા, તેથી તેમને યોગ દ્વારા પ્રથમ સમયે જે કર્મપુદ્ગલ આવે છે, તે દ્વિતીય સમયમાં વેદાય છે અને તૃતીય સમયમાં ખરી જાય છે. યોગોના નિમિત્તે જે કર્મ આવે છે તે બીજા સમયે વેદાઈને ત્રીજા સમયે નિર્જરી જાય છે. તેમને સ્થિતિબંધ અને અનુભાગબંધ થતો નથી. મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ અને રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે.
જ્યારે આત્મા કષાયરહિતપણે માત્ર યોગથી જ કોઈ કાર્ય કરે છે ત્યારે સ્થિતિ અને અનુભાગબંધને ત્યાં અવકાશ રહેતો નથી, તેથી માત્ર યોગથી ઉપાર્જન કરેલ પ્રકૃતિ અને પ્રદેશબંધમાં માત્ર શાતા વેદનીય કર્મ ગ્રહણ થાય છે. પરંતુ જ્યારે તે યોગ કષાય વડે અનુરંજિત થયેલા હોય છે ત્યારે અનેક પ્રકૃત્તિઓનો બંધ વિવિધ અનુભાગ રસ અને સ્થિતિ સહિત થયા વિના રહેતો નથી.
કર્મપ્રકૃતિઓનાં ઘણાં પરમાણુ હોવા છતાં જો તેમાં થોડા કાળ સુધી થોડું ફળ આપવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત થાય છે તથા કર્મપ્રકૃતિઓનાં થોડાં પરમાણુ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ આપવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત થાય છે. માટે યોગ વડે થયેલા પ્રકૃતિબંધ-પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાય વડે થયેલા સ્થિતિબંધ-અનુભાગબંધ બળવાન છે.
આ પ્રમાણે યોગ અને કષાય કર્મબંધના નિયામક છે. યોગનું અતિ ચાંચલ્ય અને કષાયનું અલ્પત્વ જ્યાં હોય ત્યાં સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂન હોય છે, પણ યોગ વડે ઉપાર્જન થયેલી કર્મપ્રકૃતિનો પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે, કેમ કે પ્રદેશનો નિયામક યોગ છે. જેવી રીતે ભયાનક રીતે તૂટી પડવાની અણી ઉપર દેખાતાં જળપ્રચુર વાદળાંઓ ઘણી વાર થોડા, ઝરમર ઝરમર છાંટા નાંખી વીખરાઈ જાય છે, ત્યાં પ્રદેશ વિસ્તારવાળો હોવા છતાં પણ ફળ અલ્પ જોવા મળે છે. તેવી રીતે ઘણી વાર અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org