Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૩
૬૯૯
જાણતાં નથી, તેમજ પોતે ખાનારને મૃત્યુ કે દીર્ધાયુ આપે છે તેની પણ તેને ખબર નથી; પરંતુ તેનો સ્વભાવ જ એવો છે કે જો જીવ તેને ગ્રહણ કરે તો થોડા કાળમાં જ તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે. તેમ કર્મો જડ હોવાથી પોતાના સ્વભાવને જાણતાં નથી, કોને શું ફળ આપવું તે જાણતાં નથી, પણ તેનો સ્વભાવ જ એવો છે કે તે પોતાને ગ્રહણ કરનારને યોગ્ય કાળે, પોતામાં અભિભૂત થયેલા સ્વભાવ પ્રમાણે ફળ આપે છે.
શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે ચેતન આત્માને લાગતાં કર્મો જડ છે. તે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓમાંથી બનતાં હોવાથી જડ છે, તો જડ એવાં કર્મો આત્માને કેવી રીતે ફળ આપી શકે? જીવને કયું ફળ આપવું તેની કર્મને ખબર જ નથી તો કર્મ કેવી રીતે ફળ આપી શકે? કર્મપરમાણુઓને કાંઈ સમજ નથી તો તે યથાયોગ્ય ફળ આપવા કેવી રીતે પરિણમે? જડ કર્મ તથા પ્રકારના ભોગને જાણતા નથી તો આત્માને સુખ-દુઃખ આપવા તે શી રીતે સમર્થ બને? આ શંકાનું અત્યંત સચોટ સમાધાન આપતાં શ્રીગુરુ કહે છે કે ઝેર અને અમૃતમાં ગ્રહણ કરનારને ફળ આપવાની સમજ ન હોવા છતાં તે જેમ ગ્રહણ કરનારને ફળ આપે છે, તેમ કર્મને ફળ આપવાની સમજ ન હોવા છતાં તે પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે. જીવ શુભાશુભ ભાવ કરે છે, તેથી તે શુભાશુભ કર્મ બાંધે છે અને યોગ્ય કાળે તે શુભાશુભ કર્મ જીવને ફળ આપે છે. શુભ ભાવના પ્રાદુર્ભાવથી પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે તથા અશુભ ભાવના પ્રાદુર્ભાવથી પાપપ્રકૃતિનો બંધ થાય છે. આ પુણ્ય-પાપરૂપી કર્મ ઉદયમાં આવતાં તે અનુસાર જીવને ફળ આપે છે અને તે પ્રમાણે જીવ તેને ભોગવે છે. આમ, જીવનું શુભાશુભ કર્મનું ભોક્તાપણું સિદ્ધ થાય છે.
| શિયાળામાં ઠંડીના કારણે વાયુ ઉત્પન્ન થાય છે, પણ ઉષ્ણતાવાળી વસ્તુ ખાવાથી પિત્ત ઉત્પન્ન થાય છે અને પિત્તના પ્રભાવથી વાયુનો નાશ થાય છે. સૂંઠ પિત્ત કરનારી હોવાથી વાયુનો નાશ કરે છે. યદ્યપિ સુંઠ જડ છે, છતાં પણ તેના સ્વભાવ મુજબ તે કાર્ય કરે છે; તેમ કર્મ પણ યોગ્ય કાળે તેના તથા પ્રકારના સ્વભાવ અનુસાર ફળ આપે છે, તેથી જીવ તે કર્મના ફળનો ભોક્તા કહેવાય છે.
દારૂ જડ છે છતાં તે માદકતા ઉત્પન્ન કરે છે. પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કોઈ માણસ દારૂ પીએ તો તે છકી જાય છે. તેને ચાલવા, ખાવા આદિનું કોઈ ભાન રહેતું નથી. જડ એવા દારૂની પણ પીનાર ઉપર અસર તો સ્પષ્ટ દેખાય જ છે. તે જ પ્રમાણે કર્મો જડ હોવા છતાં વિભાવના નિમિત્તે આત્મા ઉપર ચોંટીને યોગ્ય કાળે ફળ આપે છે. આ પ્રકારે જડ એવાં કર્મ આત્મા ઉપર અસર કરે છે.
જેમ ભૂખ લાગતાં મુખદ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુદ્ગલપિંડ માંસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org