Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૫
૭૪૧
ચાક ઉપર ચડાવેલ માટીના પિંડને કેવો આકાર આપવો, તેનામાં કેવો ફેરફાર કરવો એ કુંભારના હાથમાં છે, તેમ કર્મની અનુદયસ્થિતિમાં - સત્તા અવસ્થામાં તેનું પરિવર્તન કે તેના પ્રમાણમાં ન્યૂનાધિક કરવાનું સ્વાતંત્ર્ય આત્મામાં છે. જેમ કુંભાર એક આકાર બનાવી, તેને અગ્નિમાં પકવ્યા પછી તેમાં ફેરફાર કરી શકતો નથી; તેમ આત્મા પણ કર્મની ઉદય અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી.
આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી ફળ આપવા માટે તત્પર થતી નથી, ત્યાં સુધીના કાળને અબાધાકાળ કહે છે અને તે અનુદયકાળમાં તે કર્મપ્રકૃતિમાં આત્મા પોતાની સ્વસત્તા વડે અપકર્ષણ (ન્યૂનતા), ઉત્કર્ષણ (આધિક્ય), સંક્રમણ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું) કે ઉદયાભાવી ક્ષય (ફળ આપ્યા વિના કર્મનું છૂટી જવું) કરી શકે છે; પણ એક વાર જ્યારે તે કર્મ ફળ આપવાને ઉદયમાન થાય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ફળ તેની નિયત સ્થિતિ અને અનુભાગ - રસ સહિત આપ્યા વિના રહેતું નથી અને તે સ્થિતિ પૂરી થતાં સુધી પ્રતિસમય તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે –
‘ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં.'
જ્યાં સુધી કર્માણુ શાંત અવસ્થામાં પડી રહે છે, ત્યાં સુધીના કાળમાં તેના સ્વભાવ, સ્થિતિ, રસમાં ફેરફાર કરવાનું શક્ય છે અને તેથી જ અનેક આત્માઓ સુંદર આચાર, વિચાર અને ઉચ્ચારનું જીવન જીવે છે. આવા ઉચ્ચ જીવનથી જન્માંતરોમાં ચોંટેલા કર્માણુઓ કે જેનું કાર્ય સ્ત્રી, પશુ, નારક વગેરેને શરીર, શાતા-અશાતા વગેરે આપવાનું હોય છે; અથવા તો જેનું કાર્ય રોગ, દરિદ્રતા વગેરે આપવાનું હોય છે; એ પલટાઈ જાય છે. સુંદર કાર્યો નિપજાવવાની સ્થિતિમાં તે કર્માણુઓ ફેરવાઈ જાય છે. આ હકીકત દર્શાવે છે કે જૈન દર્શન પ્રારબ્ધવાદી નથી, કિંતુ પુરુષાર્થવાદી છે. જૈન દર્શન નિરંતર પુરુષાર્થ ઉપર જોર આપે છે.
જૈન કર્મવાદ બરાબર ન સમજી શકાવાના કારણે કેટલાક જીવ પુરુષાર્થી બનવાને બદલે અકર્મણ્ય બની જાય છે. જીવ કર્મસિદ્ધાંતને યથાર્થપણે ન સમજી, નિરાશાવાદી ધારણાઓ ધારી લે છે અને અકર્મણ્ય થઈને બેસી જાય છે. તે વિચારે છે કે “મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે શું થાય? હવે તો કર્મનાં ફળ ભોગવવાં જ પડશે' અથવા ‘કર્મમાં લખ્યું હશે તેમ થશે, હું શું કરી શકું? ' ઇત્યાદિ ખોટી ધારણાઓથી તે આળસુ બની જાય છે અને પુરુષાર્થ કરતો નથી. પરંતુ જૈન કર્મવાદમાં તો પુરુષાર્થનું ઘણું મૂલ્ય છે. જાગૃત આત્મા પ્રબળ પુરુષાર્થથી બાંધેલાં કર્મોમાં સંક્રમણ આદિ કરે છે અથવા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૩ (વ્યાખ્યાનસાર-૨, ૨-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org