Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૫
૭૩૯
ટાઈમબૉંબમાં ફાટવાની યોગ્યતા હોવા છતાં પણ તે નિશ્ચિત થયેલા સમયે જ ફાટે છે, તેમ દરેક કર્માણુ એ ટાઈમબૉંબ છે જે નિશ્ચિત સમય થતાં જ ફાટે છે અને આત્માને સુખ-દુઃખ આપે છે. કોઈ પણ કર્માણુ આત્મા ઉપર ચોંટે છે ત્યારે તેમાં ચાર વાતો નિશ્ચિત થાય છે ૧) સુખ-દુઃખ વગેરે આપવાનો તેનો સ્વભાવ (nature), ૨) આત્મા ઉપર રહેવાનો તેનો સમય (time), ૩) ફળ આપવાની તેની તીવ્રતા (power) અને ૪) એનું પ્રમાણ, અર્થાત્ કર્માણુની સંખ્યા (bulk). કર્માણુમાં પ્રગટેલી આ યોગ્યતા સમય પાકતાં ફળ આપે છે. આ ચાર વાતો નક્કી થયા પછી તે કર્માણુ કેટલોક સમય શાંત પડ્યા રહે છે અને પછી પોતાનું કાર્ય બજાવે છે. બીજમાંથી છોડ કે વૃક્ષ ઊગતાં જુદી જુદી વનસ્પતિને જેમ જુદો જુદો સમય લાગે છે, તેમ જુદાં જુદાં કર્મોને ઉદયમાં આવતાં જુદો જુદો સમય લાગે છે.
વિભાવભાવથી જે કર્મો બંધાય છે, તે કર્મ તેનો સ્વકાળ પાકતાં ઉદયમાં આવે છે અને જીવને ફળ આપે છે. જેવું જીવનું કર્મ હોય છે તેવું તેને ફળ મળે છે. તેણે પુણ્યકર્મ ઉપાર્જન કર્યું હોય તો તેનાં ફળ સુખરૂપે ભોગવે છે અને પાપકર્મ ઉપાર્જન કર્યું હોય તો તેનાં ફળ દુઃખરૂપે ભોગવે છે. દયા, દાન, ભક્તિ વગેરે શુભ ભાવના નિમિત્તે કર્માણુ ચોંટ્યા હોય તે સમય પાકતાં સુંદરતા, આરોગ્ય, શ્રીમંતાઈ, દેવભવ, મનુષ્યભવ વગેરે સુખરૂપ ફળ આપવાનું કાર્ય કરે છે અને હિંસા, જૂઠ વગેરે અશુભ ભાવના નિમિત્તે જે કર્માણુ ચોંટ્યા હોય તે સમય પાકતાં કુરૂપતા, રોગ, ગરીબી, નારકજીવન, પશુજીવન વગેરે દુઃખરૂપ ફળ આપવાનું કાર્ય કરે છે. શુભ ભાવથી ગ્રહણ કરેલું કર્મ શુભ ફળ આપે છે, જ્યારે અશુભ ભાવથી ગ્રહણ કરેલું કર્મ અશુભ ફળ આપે છે. જેમ બ્રાહ્મી આદિ ચૂર્ણ અને ઘી આદિ પદાર્થોનું સેવન જ્ઞાન ઉપર અનુગ્રહ કરે છે અને મદિરાપાન, ધતુરાનું સેવન કે ઝેર આદિનું ભક્ષણ જ્ઞાનનો ઉપઘાત કરે છે; તેમ શુભ કર્મો જીવ ઉપ૨ અનુગ્રહ કરે છે અને અશુભ કર્મો જીવનો ઉપઘાત કરે છે. આમ, જડ એવાં કર્મ ચેતન એવા આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરે છે.૧
આ પ્રમાણે પ્રથમ આત્માની સાથે કર્મ બંધાય છે, પછી તે કેટલોક કાળ સત્તામાં પડ્યાં રહે છે, ત્યારપછી ઉદયમાં આવી જીવને ફળ આપે છે. કર્મની અનુક્રમે બંધ, સત્તા અને ઉદયરૂપ અવસ્થા થાય છે. કર્મનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. કર્મનાં પરમાણુ પોતાની જાતે જીવ સાથે સંબંધ સ્થાપિત નથી કરતાં. જીવ પોતાની પ્રવૃત્તિ દ્વારા કર્મ યોગ્ય પરમાણુઓને આકર્ષિત કરી, તેની સાથે સંબંધ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૮, સૂત્ર ૪-૧૪
‘यथा भिन्नजातीयेन क्षीरेण तेजोजातीयस्य चक्षुषोऽनुग्रहः, तथैव आत्मकर्मणोश्चेतनाऽचेतनत्वात् अतुल्यजातीयं कर्म आत्मनोऽनुग्राहकमिति सिद्धम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org