Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સામાન્ય વિચાર યોગ દર્શનમાં પણ મળે છે. આમ છતાં કર્મના પ્રકારોનું વ્યવસ્થિત અને સૂક્ષ્મ વર્ગીકરણ જેવું જૈન ગ્રંથોમાં જોવા મળે છે, તેવું અન્યત્ર જોવા મળતું નથી.
કર્મની પ્રકૃતિ, એટલે કે સ્વભાવની દૃષ્ટિએ કર્મના મૂળ આઠ ભેદ જૈન શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તેમાં એ આઠ મૂળ ભેદની અનેક ઉત્તર પ્રવૃતિઓનું વિવિધ જીવોની દષ્ટિએ વિવિધ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આઠ પ્રકારનાં મૂળ કર્મોના પેટા પ્રકારો ગણતાં કુલ ૧૫૮ થાય છે. તેમાં આ સર્વ પ્રકારોનું વિગતવાર વર્ણન છે. દરેક કર્મના પેટા પ્રકારો અને તેનાં સ્વરૂપની ખૂબ ઝીણવટભરી વિચારણા જૈન શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
સંસારી જીવોને આઠ પ્રકારનાં કર્મ લાગેલાં હોય છે. અષ્ટ કર્મોથી આચ્છાદિત જીવ સંસારભ્રમણ કરે છે. તે પોતે કરેલાં કર્મોથી જન્મ, જરા અને મરણથી પીડિત થઈ સંસારમાં ભ્રમણ કરે છે. જે ચતુર્ગતિનાં દુઃખ આદિ તે ભોગવે છે, તે તેની ક્રિયાથી ઉત્પન્ન થનાર કર્મનું જ ફળ છે.
જીવમાત્ર કાર્યશીલ છે. દરેક જીવ સતત ક્રિયા - પ્રવૃત્તિ કરે છે. આ ક્રિયા - પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે, સારી અને ખરાબ. કોઈ દાન આપે છે, સેવા-ચાકરી કરે છે; તો કોઈ ચોરી કરે છે, ખીસું કાપે છે, છરી બતાવી લોકોને લૂંટી લે છે. કોઈ ભૂખ્યાને ભોજન આપે છે, તરસ્યાને પાણી આપે છે; તો કોઈ ગરીબનું ખાવાનું ઝૂંટવીને પોતે ખાવા બેસી જાય છે. કોઈ નિર્વસ્ત્રને પહેરવા સારાં કપડાં આપે છે; તો કોઈ એની પણ ચોરી કરીને અથવા દાદાગીરી કરીને તે પડાવી લે છે. કોઈ મરતાને બચાવવા મથે છે; તો કોઈ બીજાને ત્રાસ આપીને મારે છે. કોઈ પોતાનું લોહી આપીને બીજાને બચાવવાની કોશિશ કરે છે; તો કોઈ ખૂન કરી બીજાનું જીવન હરી લે છે. આ પ્રમાણે આ સંસારમાં સારી અને ખરાબ બન્ને પ્રકારની પ્રવૃત્તિઓ - ક્રિયાઓ છે. એમાં તો કોઈ પણ ના પાડી શકે તેમ નથી, કારણ કે સંસાર વ્યવહારની આ સર્વ પ્રવૃત્તિઓ દષ્ટ છે. એ સારી-ખરાબ ક્રિયાઓના ફળરૂપે જીવને સુખ-દુઃખ મળે છે. જીવની ક્રિયા સારી છે કે ખરાબ છે તેના આધારે જીવને તેનું ફળ મળે છે, અર્થાત્ સારી ક્રિયાનું ફળ સુખ-સાહ્યબી વગેરે અને ખરાબ ક્રિયાનું ફળ દુઃખ-દુર્ગતિ વગેરે મળે છે.
પુણ્યથી જીવ સુખી થાય છે અને પાપથી જીવ દુઃખી થાય છે, તોપણ જગતમાં અનેક ઠેકાણે એનાથી વિરુદ્ધ વાત જોવા મળે છે. જેઓ પુણ્યકર્મ કરે છે, પોતાના જીવનમાં સત્કાર્ય તથા ધર્માચરણ કરે છે તેઓ દુ:ખી દેખાય છે અને જેઓ રાત-દિવસ પાપકાર્યોમાં મગ્ન હોય છે; હિંસાચાર, ખોટું બોલવું, ચોરી કરવી ઇત્યાદિ કરતાં હોય છે, તે લોકો સુખી દેખાય છે. ઘણા માણસો એવા જોવા મળે છે કે આ જન્મમાં તેઓ ૧- જુઓ : ‘યોગસૂત્ર', ૨-૧૨-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org