Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૪
૭૨૯
પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર; અને એવા પણ માણસો જોવા મળે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે સુખી. એવા અનેક માણસો મળે છે કે જેઓ પોતે દોષ કરે છે અને નિર્દોષ ઠરે છે તથા એ દોષો - અપરાધોનું ફળ ભોગવે છે બીજા. ચોરી કરે છે એક અને પકડાય છે બીજો . ખૂન કરે છે એક અને ફાંસીને માંચડે ચડે છે. બીજો . તેથી પ્રશ્ન થાય કે પુણ્યનું ફળ સારું અને પાપનું ફળ ખરાબ એમ કેમ દેખાતું નથી? શું તે સારા કે ખરાબ કૃત્ય નિષ્ફળ જાય છે?
આનો ઉત્તર જ્ઞાની પુરુષો એમ આપે છે કે પુણ્યવાન દુઃખી અને પાપી લોકો સુખી એમ જે દેખાય છે તે તેમનાં વર્તમાન પુણ્ય કે પાપનું ફળ નથી, પણ તે તેમણે કરેલાં પૂર્વજન્મનાં પાપ અને પુણ્યનાં ફળ છે. વર્તમાનમાં જે પુણ્યવાન અને પાપી લોકો પુણ્ય અને પાપનું ઉપાર્જન કરે છે તેનાં ફળ તેમને ભવિષ્ય કાળમાં મળશે, મળ્યાં સિવાય રહેવાનાં જ નથી. તેમને પોતાનાં કરેલાં કર્મોનું ફળ આજે નહીં તો કાલે નક્કી મળે જ છે. ફળ ભોગવ્યા સિવાય સંચિત કર્મોથી છુટકારો થઈ શકતો નથી.
ખેડૂત જ્યારે કાપણી કરે છે ત્યારે તે કાપણી તેણે ભૂતકાળમાં વાવેલાં બીજનું જ પરિણામ હોય છે. વર્તમાનમાં વાવેલાં બીજનો પાક તો ખેડૂત ભવિષ્યમાં જ લણશે. તે જ પ્રમાણે વર્તમાનમાં પુણ્યવાન રહેનારા મનુષ્ય ભૂતકાળમાં જે પાપનાં બીજ વાવેલાં હતાં તેનું ફળ તેને વર્તમાનમાં દુ:ખરૂપે મળે છે અને વર્તમાનનાં પુણ્યનું ફળ તેને ભવિષ્યમાં સુખરૂપે મળશે.
કોઈ પણ ક્રિયા નિરર્થક હોતી નથી, ફળ વિનાની હોતી નથી. કેટલીક વાર એવું બને છે કે ક્રિયા કરવા છતાં પણ તેનું ફળ પ્રત્યક્ષ જોવા મળતું નથી, પરંતુ આમ થાય તો જીવે આચરેલી ક્રિયા નિષ્ફળ છે એમ માની લેવાનું નથી, કાળાંતરે તે ક્રિયા ફળદાયક નીવડે જ છે. ભલે ક્ષેત્ર અને કાળ બદલાઈ જાય તો પણ ફળ તો મળે જ છે. એક વર્ષ પછી, ૧૦૦ વર્ષ પછી, ૧૦૦૦ વર્ષ પછી કે લાખ વર્ષ પછી પણ ક્રિયાનું ફળ તો મળે જ છે. ક્રિયાના ફળને ઓછો કે વધારે કાળ લાગે, પરંતુ દરેક ક્રિયાનું ફળ ચોક્કસ મળે છે. કાળાંતરે તેનું ફળ મળે જ છે, માટે કોઈ પણ ક્રિયા નિષ્ફળ તો નથી જ જતી. ક્રિયા ફળ સહિત જ હોય છે. દરેક જીવની દરેક ક્રિયાનું ફળ હોય જ છે. દરેક ક્રિયાનું ફળ છે જ એમ અવશ્ય માનવું જોઈએ.
તાત્પર્ય એ છે કે જીવની ક્રિયાનું પૂર્વકર્મના કારણે દષ્ટ ફળ ન પણ મળે, પરંતુ તેને શુભાશુભ કર્મબંધ તો અવશ્ય થાય જ છે. જીવની શુભાશુભ ક્રિયાથી કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું ગ્રહણ થાય છે અને તે સાત કે આઠ કર્મમાં વહેંચાઈ જાય છે. પ્રત્યેક સંસારી જીવ પોતાનાં વૈભાવિક પરિણામના કારણે પ્રત્યેક સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org