Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચાર કર્મનાં આગમન કે ક્ષયને આત્માના વાસ્તવિક સ્વરૂપના પ્રાકટ્ય સાથે કશો સંબંધ નથી. તે ચાર કર્મને તો માત્ર બાહ્ય સામગ્રીઓ સાથે જ સંબંધ છે. તેના ઉદયથી બાહ્ય સામગ્રીઓનું મળવું થાય છે અને અનુદયે તે સામગ્રી ઉદ્ભવતી નથી. ઘાતી કર્મ આત્માના સ્વભાવને પ્રગટ થવા દેતાં નથી અને આત્માના ઊર્ધ્વગામી પથમાં વિઘ્ન નાંખે છે, જ્યારે અઘાતી કર્મમાં તેવી કોઈ શક્તિ નથી. અઘાતી કર્મમાંનું વેદનીય કર્મ
જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આત્માને વિવિધ પ્રકારની અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રીનો યોગ થાય છે. આ યોગ કરાવી તે વેદનીય કર્મની સત્તા ત્યાં જ અટકી જાય છે. તે સામગ્રીમાં સુખ-દુઃખનું ભાન કરાવવું તે મોહનીય કર્મનું કર્તવ્ય છે. વેદનીય કર્મ તો માત્ર સામગ્રી આપીને ખસી જાય છે, સુખ-દુ:ખ વડે અનુરંજિતપણાનું તારતમ્ય તો મોહનીય કર્મને વશ છે. જો મોહનીય કર્મ સહકારી ન હોય તો વેદનીય કર્મ સ્વયં સામર્થ્યહીન છે, કેમ કે તેનામાં સામગ્રી આપવા ઉપરાંત અન્ય કોઈ ગુણ નથી. ઘાતી કર્મ અશુભ અને ભારે હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બન્ને પ્રકારનાં હોય છે. આમ, આત્માના ગુણને કેટલાંક કર્મો ઘાતક હોય છે અને કેટલાંક ઘાતક હોતાં નથી અને તેને અનુલક્ષીને કર્મના ઘાતી અને અઘાતી એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. ઘાતી કર્મ ચાર અને અઘાતી કર્મ ચાર એમ મળી કર્મના કુલ આઠ પ્રકાર છે.
કર્મબંધનરૂપ રોગના કારણે જીવની જુદી જુદી અવસ્થાઓ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે અજ્ઞાનતા, મૂઢતા આદિ; દર્શનાવરણીય કર્મના કારણે નબળી આંખો, અંધાપો, નિદ્રા આદિ; મોહનીય કર્મના કારણે મિથ્યાત્વ, કષાય આદિ; અંતરાય કર્મના કારણે કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા, નિર્બળતા આદિ; વેદનીય કર્મના કારણે શાતા, અશાતા; આયુષ્ય કર્મના કારણે જન્મ, મૃત્યુ; નામ કર્મના કારણે ગતિ, શરીર, રૂપ, યશ, અપયશ આદિ અને ગોત્ર કર્મના કારણે ઉચ્ચતા, નીચતા પ્રાપ્ત થાય છે.
આમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એમ કર્મના મૂળ આઠ પ્રકાર છે. તેમાં ઘાતી અને અઘાતી એમ બે ભેદ છે. ઘાતી કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારનો સમાવેશ થાય છે. મતિજ્ઞાનાવરણીય આદિ અવાંતર ભેદ ગણતાં ૪૭ પ્રકાર થાય છે. અઘાતીના પણ ચાર ભેદ છે - વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. શાતાવેદનીય આદિ પેટા પ્રકારો ગણતાં અઘાતીના ૧૧૧ ભેદ થાય છે. બધા મળીને આઠ કર્મનાં ૧૫૮ પેટા પ્રકારો થાય છે. ૧ ૧- જુઓ : સિદ્ધાંતચક્રવતી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમ્મસાર', કર્મકાંડ, ગાથા ૭.
अट्टविहं वा अडदालसयं असंखलोगं वा । ताणं पुण घादित्ति अ-घादित्ति य होंति सण्णाओ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org