Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૪
૭/૯ ભરેલો છે. જીવોમાં રહેલી આ વિચિત્રતાના ચિત્રનું શ્રીમદે પોતાના મોક્ષમાળા' ગ્રંથમાં ચિત્તમાં ગાઢ અસર છોડી જાય એવી રીતે સચોટ આલેખન કર્યું છે –
એક જીવ સુંદર પલંગે પુષ્પશચ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે. એકને ખરા શિય ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇંદ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી.
એક ગર્ભાધાનથી હરાયો, એક જભ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે.
કોઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે!”
પ્રશ્ન થાય કે આ વિષમતા, વિવિધતા, વિચિત્રતાનું કારણ શું? આ બધી વિભિન્નતા શા માટે છે? આવા અનેક પ્રકારના ભેદ કયા કારણથી છે? સંસારમાં જણાતી અનેક પ્રકારની વિષમતા કાંઈ અહેતુક એટલે કારણ વગરની તો ન જ હોઈ શકે. જગતના જીવોમાં જીવપણું સમાન હોવા છતાં તેમનામાં રહેલા આ ભેદનું કોઈ કારણ અવશ્ય ઘટે છે. જેમ ધુમાડા અને અગ્નિમાં ધુમાડો કાર્ય અને અગ્નિ કારણ છે. ઘડા અને માટીમાં ઘડો કાર્ય અને માટી કારણ છે. ધુમાડા અને અગ્નિ, ઘડા અને માટી આદિ વચ્ચે જેમ કાર્ય-કારણભાવ સંબંધ છે, તેવી જ રીતે જીવોમાં રહેલી અસમાનતા કાર્ય
સ્વરૂપ હોવાથી તેનું કોઈક કારણ હોવું જ જોઈએ, કેમ કે કારણ વિના કાર્યનું નિર્માણ થતું નથી. કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય જ છે, તેથી જીવોમાં રહેલી વિવિધતાનું કારણ અવશ્ય હોવું જોઈએ. સંસારની વિચિત્રતા માટે સર્વદોષરહિત એવું પ્રબળ કારણ જો કોઈ સિદ્ધ થતું હોય તો તે એકમાત્ર કર્મ છે. સુખરૂપી કાર્યનું કારણ શુભ કર્મ અને દુ:ખરૂપી કાર્યનું કારણ અશુભ કર્મ છે. સાંસારિક સુખ-દુ:ખ શુભાશુભ કર્મજન્ય છે. કરેલાં શુભાશુભ કર્મોના કારણે જીવ સુખી-દુ:ખી છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯-૬૦ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org