Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૪
૭૨૩
આહારાદિ વિપરીત બાહ્ય સાધનોના બળના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. સારાંશ એ છે કે જો દુ:ખ પુણ્યના અપકર્ષથી થતું હોય તો સુખનાં સાધનોનો અપકર્ષ જ તેમાં કારણ હોવું જોઈએ, દુઃખનાં સાધનોનો પ્રકર્ષ આવશ્યક ન હોવો જોઈએ. વસ્તુતઃ દુઃખનો પ્રકર્ષ માત્ર સુખનાં સાધનોના અપકર્ષથી નથી થતો, પણ તેમાં દુ:ખનાં સાધનોના પ્રકર્ષની પણ અપેક્ષા છે જ અને તે અર્થે પાપનો પ્રકર્ષ માનવો આવશ્યક છે. પ્રકૃષ્ટ દુઃખાનુભવનું કારણ પુણ્યનો અપકર્ષ નહીં પણ પાપનો પ્રકર્ષ માનવો જોઈએ. આથી પુણ્ય-પાપની સ્વતંત્રતાની સ્પષ્ટ સિદ્ધિ થાય છે.
આમ, કર્મો બે પ્રકારનાં છે - શુભ અને અશુભ. શુભ કર્મ પુણ્ય છે અને અશુભ કર્મ પાપ છે. આત્મપ્રદેશો સાથે શુભ અને અશુભ કર્મોનો સંગ્લેષ થાય છે, એટલે બંધ પણ શુભ અને અશુભ એવા બે ભેદ હોય છે. શુભ બંધને પુણ્યબંધ અને અશુભ બંધને પાપબંધ કહે છે. શુભ કર્મથી અનેક પ્રકારનાં સુખોની અને અશુભ કર્મથી અનેક પ્રકારનાં દુઃખોની પ્રાપ્તિ થાય છે.
અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશપ્રદેશમાં કાર્પણ વર્ગણાનાં પરમાણુઓ શુભાશુભ ભેદ વિના ભરેલાં છે, અર્થાત્ અમુક આકાશપ્રદેશમાં શુભ પુદ્ગલપરમાણુઓ છે અને અમુક આકાશપ્રદેશમાં અશુભ પુદ્ગલપરમાણુઓ છે - એવું હોતું નથી, કારણ કે તે પુદ્ગલો કર્મરૂપે પરિણમે તે પહેલાં - જ્યારે કાર્પણ વર્ગણારૂપે હોય ત્યારે – તેમાં તેવા પ્રકારનો કોઈ ભેદ હોતો નથી. જ્યાં સુધી જીવે રાગાદિ પ્રેરણારૂપ ધર્મ વડે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને ગ્રહણ કર્યા હતાં નથી, ત્યાં સુધી તે પુદ્ગલપરમાણુઓ શુભ કે અશુભ વિશેષણથી યુક્ત હોતાં નથી. જીવ જ્યારે કર્મપુદ્ગલને ગ્રહણ કરે છે ત્યારે જીવના અધ્યવસાયરૂપ પરિણામના નિમિત્તે તે કર્મપુદ્ગલ શુભ કે અશુભરૂપે પરિણત થાય છે. તાત્પર્ય કે જીવના શુભાશુભ અધ્યવસાયના નિમિત્તે કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલોમાં બંધકાળે જ શુભત્વ કે અશુભત્વ ઉત્પન્ન થાય છે. પોતાના ભાવવિશેષના કારણે જીવ કર્મને શુભ કે અશુભરૂપે પરિણમાવતો જ તેને ગ્રહણ કરે છે. કર્મોનો પણ એવો સ્વભાવવિશેષ છે કે શુભાશુભ અધ્યવસાયવાળા જીવ વડે શુભ કે અશુભ પરિણામને પામતું જ તે જીવ વડે ગૃહીત થાય છે.
એક જ જીવ કર્મનાં શુભ અને અશુભ બન્ને પ્રકારનાં પરિણામોને ઉત્પન્ન કરવા સમર્થ છે એમ સમજાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે એક જ શરીરમાં અવિશિષ્ટ અર્થાત્ એકરૂપ આહાર લેવામાં આવે છે, છતાં તેમાંથી સાર અને અસાર એવાં બન્ને પરિણામો થાય છે. માણસનું શરીર ખાધેલા ખોરાકને રસ, રક્ત અને માંસરૂપ સાર તત્ત્વમાં અને મળ-મૂત્ર જેવા અસાર તત્ત્વમાં પરિણત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org