Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૪
૭૧૫ ઇત્યાદિ કહી શકાય છે; તેમ તેનાં કારણ એવાં પુણ્યને પણ તે જ શબ્દો વડે કહી શકાય છે. વળી, દુ:ખ જેમ અશુભ, અકલ્યાણ, અશિવ ઇત્યાદિ સંજ્ઞાને પામે છે; તેમ તેનું કારણ પાપ પણ એ જ શબ્દોથી પ્રતિપાદિત થાય છે. તેથી જ સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે વિશેષરૂપે પુણ્ય-પાપને કહ્યાં છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ અનાદિ દષ્ટ પદાર્થો મૂર્ત હોવા છતાં સુખનું કારણ છે, તેમ અદષ્ટ કર્મ મૂર્ત હોવા છતાં પણ સુખાદિનું કારણ છે.
સ્વભાવવાદીઓ એમ કહે છે કે આ રીતે કાર્યમાં જે ભેદ દેખાય છે, તેના આંતરિક કારણ તરીકે કર્મની સિદ્ધિ કરવામાં આવે છે તે યોગ્ય નથી, કેમ કે તે આંતરિક કારણ કર્મ નથી, પણ સ્વભાવભેદ છે. સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા સિદ્ધ થાય છે. સ્વભાવથી જ સંસારમાં બધું બને છે. આખું સંસારચક્ર સ્વભાવથી જ ચાલે છે. જીવાજીવ સર્વ પદાર્થોના સ્વભાવ નિયત છે. કાંટા કઠોર છે, કમળ કોમળ છે, મોરનાં પીંછાં વિવિધરંગી છે. આ સર્વ પ્રકારની વિચિત્રતા કોઈ કરતું નથી, સ્વભાવથી જ થાય છે. બધું સ્વભાવસિદ્ધ છે. જેમ કાંટાની તીક્ષ્ણતામાં કોઈ હેતુ નથી, તે જ પ્રમાણે જીવોનાં સુખ-દુઃખમાં પણ કોઈ હેતુ નથી. માત્ર સ્વભાવથી જ જીવો સુખી-દુ:ખી થતા હોય છે. આ પ્રમાણે સંસાર સ્વભાવના કારણે ચાલ્યા કરે છે, માટે કર્મને માનવાની જરૂર નથી.
આ પક્ષ યુક્તિયુક્ત નથી. પહેલાં તો સ્વભાવ એટલે શું એ વિચારવું ઘટે છે. શું સ્વભાવ તે કોઈ વસ્તુવિશેષ છે? અથવા નિષ્કારણતા છે? અથવા શું વસ્તુનો ધર્મ છે? આ ત્રણે વિકલ્પોને ક્રમશઃ જોઈએ.
સ્વભાવને જો વસ્તુવિશેષ માનવામાં આવે તો તે વંધ્યાપુત્ર અથવા આકાશકુસુમ જેવો સિદ્ધ થશે, કારણ કે સ્વભાવ કશે પણ વસ્તુરૂપે ઉપલબ્ધ નથી. જે વસ્તુનું નામ સ્વભાવ કહી શકાય એવી કોઈ વસ્તુ વિશ્વમાં ઉપલબ્ધ નથી, માટે વંધ્યાપુત્રની જેમ સ્વભાવ પણ વસ્તુવિશેષ સિદ્ધ ન જ થઈ શકે. વળી, સ્વભાવને મૂર્ત માનવો કે અમૂર્ત? જો મૂર્ત માનવામાં આવે તો સ્વભાવ અને કર્મમાં કોઈ ફરક રહે નહીં, કેમ કે કર્મ પણ મૂર્ત જ છે; એટલે કે કર્મને જ સ્વભાવ એવું બીજું નામ આપી દીધું એમ ઠરે અને જો અમૂર્ત માનવામાં આવે તો સ્વભાવ અમૂર્ત આકાશની જેમ કોઈના પણ સુખ-દુઃખનો કર્તા સિદ્ધ થઈ શકશે નહીં. સ્વભાવને અમૂર્ત માનવામાં આવે તો મૂર્ત શરીર આદિના નિર્માણ માટે તે અનુરૂપ કારણ નહીં કરે.
સ્વભાવનો નિષ્કારણ અર્થ માનવો પણ ઉચિત નથી, કારણ કે જો કોઈ પણ કાર્યની પાછળ કોઈ કારણ જ ન હોય તો શરીરાદિ બધા પદાર્થો એકીસાથે શા માટે ઉત્પન્ન થઈ જતા નથી? અગ્નિ કારણ છે તો જ ધુમાડો નીકળે છે અને માટી કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org