Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૮
૬૧૧
દરેક દ્રવ્યમાં દરેક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણું હોય છે. દરેક પદાર્થમાં, દરેક સમયે આવું જે સૂક્ષ્મ પરિણમન હોય છે, તે મોક્ષદશામાં પણ હોય છે. મુક્ત અવસ્થામાં નિજ ગુણમાં દરેક ક્ષણે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણું ઘટે છે. દરેકે દરેક સમયમાં જીવના જ્ઞાનાદિ અનંત ગુણોનું પલટાવાપણું છે, તે જ મુક્ત જીવનું સક્રિયપણું છે. આ સક્રિયાપણાથી જે અવસ્થા થાય તે તેમનું કાર્ય છે અને પોતારૂપે પરિણમનારા તેઓ પોતાની પર્યાયના કર્તા છે. આમ, રાગનો નાશ થયા પછી પણ અરાગપણે ટકીને પલટાવું મુક્ત દશામાં ઘટે છે. પૂર્ણ દશા પ્રગટ થતાં રાગાદિ સર્વ ઉપાધિથી રહિત એવી શુદ્ધતામાં, મુક્ત જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધ અવસ્થાના કર્તા છે. આ રીતે મુક્ત દશામાં પોતાના સ્વભાવનું કર્તાપણું છે.
આમ, આત્માનું કર્તુત્વ નિરંતર છે. તે નિરંતર કંઈ ને કંઈ કરે છે. એક ક્ષણ પણ તેનું કર્તુત્વ બંધ નથી થતું. પરિણમનનું ચક્ર નિરંતર ફર્યા કરે છે, ક્યારે પણ બંધ નથી થતું. આત્મામાં નિરંતર પરિણમન થયા કરે છે અને આત્મા તે પરિણમનનો કર્તા છે. આત્માના આ કર્તુત્વને બે ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે - સ્વાભાવિક કર્તુત્વ અને વૈભાવિક કર્તુત્વ. આત્મા નિજભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે અને નિજભાનમાં ન હોય તો વિભાવનો કર્તા બને છે.
આ ગાથાનો સારાંશ એ છે કે ચેતન જ્યારે જ્ઞાનસ્વભાવમાં નથી ટકતો અને ભૂલના કારણે પરભાવમાં અટકે છે ત્યારે તે કર્મપ્રભાવનો કર્તા ઠરે છે. ચેતન તે ભૂલ ટાળીને પરભાવમાં ન જતાં જ્ઞાનસ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે તે સ્વભાવનો કર્તા બને છે. જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે રાગાદિનો કર્તા છે અને ભેદજ્ઞાન થયા પછી રાગાદિના કર્તાપણાથી રહિત બનીને તેઓ શુદ્ધ જ્ઞાનસ્વભાવના કર્તા બને છે. એક જ આત્મામાં રાગાદિનું અને સ્વભાવનું - એ બન્નેનું કર્તાપણું અવસ્થાભેદથી છે. આમ માનવાથી આત્માના સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. એકાંતિક માન્યતામાં બંધ-મોક્ષ આદિ વ્યવસ્થાનો લોપ થાય છે. આ રીતે આત્માનાં સ્વાભાવિક તથા વૈભાવિક કર્તુત્વનું સ્વરૂપ બતાવી, આત્મા કઈ અવસ્થામાં કર્મનો કર્તા છે અને કઈ અવસ્થામાં કર્મનો કર્તા નથી તેની યથાર્થ સમજણ આપી, શ્રીગુરુએ શિષ્યના અંતરમાં રહેલ આત્માના કર્મકતૃત્વ સંબંધી સર્વ સંશયનો નાશ કરી, આત્માને એકાંતે અબંધ માનવારૂપ શિષ્યની મિથ્યા માન્યતા દૂર કરી, તેને આત્મસ્વરૂપનો સમ્પર્ક નિર્ણય કરાવ્યો. શ્રી કાનજીસ્વામી કહે છે કે –
આ ગાથામાં બે વાત સિદ્ધ કરી છે કે આત્મા પરનો કર્તા નથી પણ સ્વભાવનો કર્તા છે, એટલે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. બીજી વાત એ કહી કે જે જીવમાં રાગ-દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org