Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય તો તેને કોઈ પુદગલપરમાણુ નિમિત્ત ન થઈ શકે, પણ જીવમાં ચારિત્ર નામનો ગુણ છે, તેમાં વૈભાવિકપણાથી પરનિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભરૂપ થવાની યોગ્યતા છે (સ્વભાવ નથી). જેમ શ્વેત સ્ફટિકમાં યોગ્યતા છે તેથી ઉપર લાલ પુષ્પ મૂકો તો તે લાલરૂપે દેખાય, તેમ જીવ
જ્યાં લગી મોહકર્મના ઉદયમાં જોડાય છે, ત્યાં લગી પોતાની અવસ્થામાં રાગરૂપ અસ્થિરતા થાય છે અને જ્યારે તે ઉપાધિમાં નથી જોડાતો ત્યારે પોતાનું નૈમિત્તિકપણું મટી જતાં અને પોતાનામાં જ્ઞાતાપણે ટકી રહેતાં કર્મોપાધિ ટળી જાય છે. -
આમ, શ્રીગુરુએ શિષ્યની આત્માના કર્મકર્તૃત્વ સંબંધી સર્વ શંકાઓનું સમાધાન કરી આત્માને કર્મનું કર્તાપણું જે પ્રકારે છે, તે પ્રકારે યથાતથ્ય બતાવ્યું છે. તેમણે અનેક યુક્તિઓથી સિદ્ધ કર્યું છે કે કર્મનો કર્તા આત્મા જ છે. કર્મ જ કર્મનો કર્તા છે, કર્મ અનાયાસે બંધાય છે. પ્રકૃતિ કર્મનો બંધ કરે છે, ઈશ્વરની પ્રેરણાથી કર્મ થાય છે અથવા કર્મ કરવું એ જીવનો સ્વભાવ છે એ દલીલોમાં આવતાં દૂષણો બતાવી તેમણે શિષ્યને યથાર્થ નિશ્ચય કરાવ્યો છે કે આત્મા જ કર્મનો કર્તા છે, આત્મા જ કર્મનો બંધ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ચેતન જો નિજ ભાનમાં, શુદ્ધ સ્વભાવ અનુપ; ઉપયોગે આત્મા વડે, જુએ ચિધન નિજરૂપ. સદાકાળ સહેજે બને, કર્તા આપ સ્વભાવ; રાગદ્વેષ ન કરે કદી, દેખી અન્ય બનાવ. નિજ ઉપયોગ ત્યજી અને, મોહ વિવશ થઈ જાય; વર્તે નહિ નિજ ભાનમાં, તો ભવ નાટક થાય, તત્ત્વ અશ્રદ્ધાથી થયું, વિપરીત જ્ઞાન વિભાવ; તેથી આવરણ આદિનો, કર્તા કર્મ-પ્રભાવ.”
૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૭૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૦૯-૩૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org