Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હોવું જોઈએ કે જે આ નિયમો કરતાં વધારે સામર્થ્યવાળું હોય. એ અપાર સામર્થ્યરૂપ જે મહાન તત્ત્વ પ્રત્યેક નિયમની પાછળ રહેલું છે, તે ઈશ્વર વિના બીજું કોઈ હોઈ શકે નહીં. તેને પ્રભુ કહેવામાં આવે કે પરમાત્મા, પરમ પ્રકાશ કહેવામાં આવે કે પરમ તત્ત્વ, ગમે તે નામ આપવામાં આવે, તેમાં કશો જ ફરક પડતો નથી; મુખ્ય વાત એ છે કે તે જગતનું નિયમન કરે છે. ઈશ્વરને કયું નામ આપવામાં આવે છે એ મહત્ત્વની વાત નથી, પણ મહત્ત્વની વાત એ છે કે તે જગતનિયંતા છે. આ સઘળી વ્યવસ્થા ઈશ્વરકૃત છે.
જગતની નિયમબદ્ધ વ્યવસ્થા માટે ઈશ્વર આવશ્યક છે. ગ્રહો અને નક્ષત્રોથી ભરપૂર એવા આ વિશ્વનો કોઈ એક નિયંતા ઈશ્વર હોવો ઘટે છે. જગતનિયંતા એવા એ ઈશ્વરની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય-ચંદ્ર ઊગે છે; એના જ શાસનને માન્ય કરીને પવન સતત વહે છે, વરસાદ પડે છે; તેના અનુગ્રહથી સંતાપ શમે છે; પશુ-પક્ષી તથા જીવજંતુ સર્વ નવજીવન પામે છે. ઈશ્વર ન હોય તો આ જગત આવું નિત્યનૂતન, વિચિત્ર અને નિયમબદ્ધ રહી જ ન શકે.
વળી, ઈશ્વરને ન માનવામાં આવે તો આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કોણ આપે? દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કોણ કરે? સ્વર્ગ, નરક આદિ કર્મો ભોગવવાનાં સ્થાનકો કોણ બનાવે? તેથી જો ઈશ્વર સિદ્ધ ન થાય તો શુભાશુભ કર્મોને ભોગવવાનાં સ્થાનરૂપ દેવલોક-નરક જેવાં સ્થાનો પણ ઘટી શકતાં નથી. જીવને પોતાનાં સારાં-ખરાબ કાર્યોનું ફળ ભોગવવા માટેનાં જે સ્વર્ગાદિ સ્થાનો મનાય છે તે ઈશ્વર વિના ઘટતાં નથી અને જો જીવને કર્મો ભોગવવાનાં સ્થાનો જ ન હોય તો ભોક્તાપણું પણ કઈ રીતે હોય? માટે જીવ કર્મોનો ભોક્તા સિદ્ધ થઈ શકે નહીં.
શિષ્ય સ્વર્ગ, નરક આદિ સ્થાનોના રચયિતા તરીકે ઈશ્વરને માને છે. આ વિરાટ લોકનું સ્વરૂપ વિચારતાં શિષ્યને લાગે છે કે આ વિરાટ વિથ બનાવનાર કોઈક ઈશ્વરરૂપી મોટી શક્તિ તો જરૂર હોવી જોઈએ; નહીંતર આ વિશ્વ કેવી રીતે બને? સ્વર્ગ, નરક આદિ સ્થાન કેવી રીતે બને? વિશ્વની રચના માટે તેને ઈશ્વરને માનવાની આવશ્યકતા લાગે છે.
શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે કે જો ઈશ્વર જગતનિયંતા તરીકે સિદ્ધ થાય નહીં તો જગતની વ્યવસ્થા નિયમબદ્ધ ચાલે છે તે શક્ય બનતી નથી અને તેથી શુભ અથવા અશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. શિષ્ય જિજ્ઞાસુ તથા વિચારવાન હોવાથી તર્કયુક્ત વિચારણા કરે છે, પરંતુ હજુ તેની વિચારધારા પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ નથી, તેથી તેના અંતરમાં શંકાઓ જાગ્યા કરે છે અને ન્યાયમાં વિરોધ આવ્યા કરે છે. ફળદાતાપણાનો આરોપ ઈશ્વર ઉપર કરવાથી ઈશ્વરત્વ ટકે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org