Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૭૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
કાર્મણ વર્ગણા નામના કર્મ બનવા યોગ્ય પુદ્ગલ અને ચેતનસ્વભાવી જીવદ્રવ્ય વડે ભરપૂર છે. શુદ્ધ, મુક્ત સ્વભાવ હોવા છતાં જીવ રાગ-દ્વેષમાં પડે છે, એટલે કાર્પણ વર્ગણામાં પણ એક એવો અનુરૂપ ભાવાંતર ઉપસ્થિત થાય છે કે જેના કારણે તે રાગદ્વેષથી અભિભૂત બનેલા જીવમાં આસ્રવ પામે છે અને એ આસવના પરિણામે જીવ બંધાઈ જાય છે.
કર્મનો બંધ એ ક્રિયાનું પરિણામ છે, તત્કાળ તેનું ઉપાર્જન થઈ જાય છે. એવું કદી પણ નથી બનતું કે ક્રિયા હમણાં થાય અને કર્મબંધ પછી ક્યારેક થાય. જે ક્ષણે ક્રિયા થાય છે એ જ ક્ષણે કર્મબંધ થાય છે. જીવના વૈભાવિક પરિણામોનું નિમિત્ત પામી કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ તેની તરફ ખેંચાય છે અને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. હવે જે કર્મ સંગૃહીત થઈ ગયું, તે ક્યાં સુધી સાથે રહેશે તેનો એક સ્વતંત્ર નિયમ છે. જીવની વૈભાવિક પ્રવૃત્તિનું મુખ્ય ફળ છે કર્મનું સર્જન. પ્રવૃત્તિકાળમાં જ કર્મનું નિર્માણ થાય છે, પરંતુ જે સર્જિત કર્મપુદ્ગલો છે તે ક્યારે સક્રિય બનશે અને ક્યાં સુધી સક્રિય રહેશે તેનો નિયમ સર્જનના નિયમથી અલગ છે. કર્મબંધ થતાં તત્કાળ તે સક્રિય થતાં નથી. જીવ જે ક્ષણે કર્મપરમાણુઓ સંચિત કરે છે, એ જ ક્ષણે તે કર્મ ફળ આપવામાં સમર્થ હોતાં નથી. ઉદાહરણ તરીકે ઉદ્યોગપતિને ત્યાં આજે બાળકનો જન્મ થયો છે, કાયદાની દૃષ્ટિએ તે આજે જ સંપત્તિનો અધિકારી બની જાય છે, પરંતુ વાસ્તવમાં તેને અધિકાર તો ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તે પુખ્ત વયનો બને. જ્યાં સુધી તે પુખ્ત વયનો ન બને, ત્યાં સુધી તેની સંપત્તિની સંભાળ કોઈ વાલી કરે છે. અપરિપક્વ ઉંમર હોય ત્યાં સુધી બાળકને કાર્યકારી માલિકી મળતી નથી. આ જ નિયમ કર્મસિદ્ધાંતમાં લાગુ પડે છે. કર્મનો જે બંધ થયો છે, કર્મોનું જે ઉપાર્જન થયું છે, તે તત્ક્ષણ જ કાર્યકારી નહીં બને. થોડાક સમય સુધી કર્મો સત્તામાં રહેશે, પણ ઉદયમાં નહીં આવે. એ સત્તાકાળ અબાધાકાળ કહેવાય છે. આનો અર્થ એ થયો કે તે કર્મો અસ્તિત્વમાં છે, પરંતુ હજી કાર્યકારી બન્યાં નથી, અવ્યક્ત રૂપમાં પડ્યાં છે. જેમ કે એક બીજ વાવવામાં આવ્યું, પરંતુ વાવતાંની સાથે તે વ્યક્ત થતું નથી. તે અસ્તિત્વમાં છે, પરંતુ તે અભિવ્યક્ત થયું નથી, અંકુરના રૂપમાં પ્રગટ થયું નથી. અંકુર ફૂટવામાં થોડોક સમય લાગે છે. યથાકાળ વીતતાં તે અંકુરિત થશે, ફૂલિત થશે, ફલિત થશે. જમીનમાં બીજ વવાયું તે બંધનો કાળ છે. બંધ પછી સત્તાનો કાળ હોય છે. જ્યાં સુધી કર્મો સત્તામાં હોય છે ત્યાં સુધી તે કાર્યાન્વિત નથી બનતાં. જ્યારે તે સત્તાકાળ પૂરો થાય છે ત્યારે કર્મો વિપાકની સ્થિતિમાં આવે છે અને પોતાનું ફળ આપે છે.
શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં જણાવે છે કે રાગ, દ્વેષ આદિ વિભાવભાવે પરિણમવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org