Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
પોતે તો અચેતન છે, માટે એનું સંયોજન કરનાર કોઈ ચેતનાવિશિષ્ટ બુદ્ધિમાન કર્તા હોવો જોઈએ. આ બુદ્ધિમાન કર્તા તે જ ઈશ્વર. જગતની સર્વ વસ્તુઓ જોતાં એમ લાગે છે કે જરૂર તેનો કોઈ બુદ્ધિશાળી કર્તા હોવો જોઈએ; અને તે સર્વશક્તિમાન ઈશ્વર જ હોઈ શકે.
જેમ ઘડિયાળના કાંટા, કમાન વગેરેનું નિયમિત કાર્ય જોતાં તેના કોઈ બુદ્ધિમાન કર્તાનું અનુમાન થયા વિના રહેતું નથી, તેમ ગ્રહો અને નક્ષત્રથી ભરપૂર એવા અનંત વિશ્વને જોઈને તેના કોઈ બુદ્ધિમાન કર્તાનું અનુમાન થયા વિના રહેતું નથી. જગતની સર્વ ક્રિયાઓ ક્રમબદ્ધ અને વ્યવસ્થિતપણે ચાલતી જોવા મળે છે. કોઈ સર્જનહાર વિના આ નિત્ય નૂતન અને વિચિત્ર જગત નિયમબદ્ધ રહી શકે નહીં.
નૈયાયિકોના મત અનુસાર આ સૃષ્ટિસર્જક ઈશ્વર અશરીરી અર્થાત્ નિરાકાર છે, કારણ કે શરીરધારી હંમેશાં પરિમિત શક્તિથી યુક્ત, દેશ અને કાળ વડે પરિચ્છિન્ન તથા ક્ષુધા-તૃષાદિ પીડા સહિત હોય છે. ઈશ્વર નિરાકાર હોવા છતાં, એટલે કે શરીર અને ઇન્દ્રિયોથી રહિત હોવા છતાં પોતાની અનંત શક્તિ વડે સૃષ્ટિનું સર્જન અને સંચાલન કરે છે; જે જીવ અને પ્રકૃતિથી થવું અશક્ય છે. (૨) ઈશ્વર એક છે - ઈશ્વર જ સૃષ્ટિનો કર્તા, પાલક અને સંહર્તા છે; તે એક જ છે. જગતનો કર્તા એવો આ પુરુષવિશેષ ઈશ્વર એક જ છે, કારણ કે જગતના કર્તા જો ઘણા હોય તો પરસ્પરમાં ભિન્ન ભિન્ન મતિની સંભાવના સહજ હોય જ અને તેથી દરેકે દરેક વસ્તુનું અન્ય અન્ય રૂપે નિર્માણ થવાથી પ્રત્યેક વસ્તુમાં અસમંજસપણું પ્રાપ્ત થાય, માટે જગતનો કર્તા એવો ઈશ્વર એક જ છે. (૩) ઈશ્વર સર્વવ્યાપી છે – ઈશ્વર સર્વ ઠેકાણે રહેતો હોવાથી તે સર્વવ્યાપી છે. જો ઈશ્વર નિયત દેશમાં જ રહેતો હોય તો અનિયત દેશમાં રહેતા ત્રણે જગતના પદાર્થોના સમૂહનું યથાવસ્થિત નિર્માણ થઈ શકે નહીં. જેમ કુંભારાદિ નિયત દેશમાં જ રહીને નિયત ઘટાદિ કાર્યને કરી શકે છે, તેમ ઈશ્વર જો અમુક દેશમાં રહેતો હોય તો અમુક નિયત કાર્યને જ કરી શકે, પરંતુ સમસ્ત કાર્યને કરી શકે નહીં. તેથી ઈશ્વર સર્વવ્યાપી સિદ્ધ થાય છે. (૪) ઈશ્વર સ્વતંત્ર છે – ઈશ્વર સ્વતંત્ર છે, કેમ કે જીવમાત્રને પોતાની ઇચ્છા અનુસાર સુખ-દુ:ખનો અનુભવ કરાવવા તે સમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી જ પ્રાણી સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે, કારણ કે સુખ-દુઃખને પ્રાપ્ત કરવામાં જીવ સ્વયં અસમર્થ છે; અર્થાત્ દરેક જીવને સુખ-દુઃખનું વેદન ઈશ્વરની ઇચ્છા અનુસાર જ પ્રાપ્ત થાય છે. જો ઈશ્વરને પરની અપેક્ષા રહેતી હોય તો તે પરતંત્ર સાબિત થાય, માટે તેનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org