Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૧
૬૪૭
ઈશ્વર પૂર્ણશુદ્ધ છે, કેવળ વીતરાગ છે. ઈશ્વર શાંત, સ્થિર, સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણાનંદી પરમાત્મા છે. આવી શુદ્ધ દશામાં નિરંતર રમણતા કરનારો ઈશ્વર, જીવને તેના કર્મ પ્રમાણે ફળ આપવાનું કાર્ય કરે તો તેનું ઈશ્વરપણું જ ખંડિત થઈ જાય, તેથી તેને કર્મફળદાતા કહેવો એ પણ તર્કસંગત નથી. જે પ્રકારે ઈશ્વરનું સ્વરૂપ પ્રતિપાદિત થયું છે, તેમાં કર્મફળદાતૃત્વ સંગત નથી થતું. આથી નિત્ય, વીતરાગી, સર્વજ્ઞ એવો ઈશ્વર કર્મનાં ફળ આપનારો છે એમ માનવું બરાબર નથી.
આમ, જડ પોતાની જાતે કાર્ય કરી શકે નહીં, તેથી ફળદાતા ઈશ્વર જરૂરી છે એવી વિચારણાથી શરૂઆત કરતાં અંતે શિષ્ય એ નિર્ણય કરે છે કે ઈશ્વરને ફળદાતા તરીકે કોઈ પણ પ્રકારે માની શકાય નહીં; પરંતુ ઈશ્વરને ફળદાતા તરીકે સ્વીકારવામાં ન આવે તો જીવનું કર્મફળભોક્તૃત્વ સ્વીકારવામાં વાંધો આવે છે. ઈશ્વરનું કર્મફળદાતૃત્વ સિદ્ધ ન થવાથી જીવ કર્મફળ કઈ રીતે ભોગવે એ વાત તેને સ્પષ્ટ થતી નથી.
શિષ્ય કહે છે કે જો ઈશ્વર સિદ્ધ ન થાય તો જગતનો નિયમ રહેતો નથી. ઈશ્વરનું લીલા કરવાપણું ન માનવામાં આવે તો જગતના નિયમનો અભાવ થઈ જાય છે. સર્વશક્તિમાન ઈશ્વર વિના સૃષ્ટિનું નિયમન થઈ શકતું નથી. જગતમાં સુખ-દુઃખરૂપી ફળના ભોક્તાપણાનો કોઈ નિયમ સિદ્ધ થતો નથી. સારા કર્મનું ફળ સારું જ મળવું જોઈએ એવી નીતિપૂર્ણ વ્યવસ્થા જગતમાં રહેતી નથી.
જો જગતકર્તા, નિયંતા, વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવામાં ન આવે તો જગતની વ્યવસ્થા કેવી રીતે ચાલી શકે? જગતમાં બધું નિયમપૂર્વક થતું જોવા મળે છે તે શી રીતે થઈ શકે? જગતનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલતું દેખાય છે તેની પાછળ કોઈ અલૌકિક કારણ ઈશ્વરને માનવાની જરૂર છે. જગતનું તંત્ર અત્યંત નિયમિત રીતે ચાલે છે એ જ ઈશ્વરની હસ્તીનો પુરાવો છે. જગતનું નિયમન કરનાર સર્વશક્તિમાન ઈશ્વર સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં, તેથી જો ઈશ્વરની સિદ્ધિ ન થાય તો જગતનો કોઈ નિયમ રહે નહીં.
-
જગતનું દરેકે દરેક કાર્ય મહાનિયમોના આધારે થાય છે. જે મહાનિયમો આ સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલ છે, તેના કારણે સર્વ કાર્ય થાય છે. પુષ્પ ઊગે છે, વધે છે, ખીલે અને કરમાય છે; તે પણ એ મહાન અને અચળ નિયમોનું જ કાર્ય છે. હિમના ઢગલા બને છે, તૂટી પડે છે, ઓગળે છે, જળરૂપ થાય છે, વરાળરૂપ થાય છે અને વળી પાછા પાણી અથવા હિમરૂપે થાય છે. આ તમામ ક્રિયાઓ એ મહાન અને અચળ નિયમો વડે જ થતી હોય છે.
આ વિશ્વમાં બધું નિયમબદ્ધ થાય છે, તો તે નિયમોને રચનાર એવું કોઈ તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org