Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૦
૬૩૭ સામગ્રી આપી શકે છે. જગતમાં અનેક સુખી-દુ:ખી જીવો છે, તેમણે કરેલાં શુભાશુભ કર્મો અનુસાર જ ઈશ્વર તેમને ફળ આપતો હોય તો ઈશ્વર પરાધીન ઠરે છે.
જો ઈશ્વર કર્મને આધીન હોય તો સંસારી જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ રહે નહીં. જીવ તો કર્મને આધીન છે જ અને ઈશ્વર પણ કર્મને આધીન હોય તો સંસારી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ રહે નહીં. ઈશ્વર જો પરાધીન ઠરે તો એનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય. પરાધીનતામાં ઈશ્વરપણું સંભવે નહીં, તેથી ઈશ્વર જીવના કર્માનુસાર ફળ આપે છે એમ માનવું પણ અયથાર્થ ઠરે છે. આ રીતે ઈશ્વર એની ઇચ્છાથી ફળ આપે કે જીવના કર્મ અનુસાર ફળ આપે, એ બને વિકલ્પોમાં ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી, તેથી ઈશ્વર કર્મફળદાતા કોઈ પ્રકારે સંભવે નહીં.
ઈશ્વરને કર્મફળદાતા માનવાથી જીવનું ભોક્તાપણું સિદ્ધ થઈ શકે છે, પણ તેમ માનવાથી ઈશ્વરમાં ઈશ્વરત્વ રહેતું નથી, તે દોષયુક્ત કરે છે. ઈશ્વરને કર્મોનાં ફળનો આપનાર માનતાં તેનું ઈશ્વરપણું જતું રહે છે, તેનામાં અનેક દોષો ઉદ્દભવે છે. ઈશ્વરને ફળદાતા માનવાથી ઉત્પન્ન થતા વિરોધ વિષે શ્રીમદ પ્રકાશે છે –
જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જે પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે.
વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જે ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય?
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org