Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ વિશેષ સ્વભાવ' ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે.'
ઈશ્વરને ન્યાયાધીશની જેમ કર્મ પ્રમાણે ફળ પમાડવારૂપ કાર્યનો કર્તા માનતાં ઈશ્વરના કાર્યનો કોઈ પાર રહે નહીં, કારણ કે સંસારમાં કર્મ સહિત જીવ અનંતાનંત છે અને સમયે સમયે દરેક જીવને કર્મફળ ભોગવવાનું રહે છે, એટલે ઈશ્વરે સમયે સમયે અનંતાનંત જીવને કર્મફળ આપવાં જ પડે. જો ઈશ્વર આ પ્રપંચમાં પડે તો તેણે હંમેશાં પરભાવોમાં જ રહેવું પડે. અનંતાનંત જીવોનાં કર્મોનો હિસાબ રાખતાં રાખતાં ઈશ્વર પોતે જ કર્મથી લેપાઈ જાય અને તેથી તેની શુદ્ધતાનો ભંગ થઈ જાય.
ઈશ્વર એટલે જે અખંડપણે સ્વસ્વરૂપમાં નિમગ્ન હોય એવો શુદ્ધ આત્મા. જીવને તેનાં કર્મ અનુસાર ફળ આપવારૂપ પ્રપંચમાં પડતાં ઈશ્વરને તેની સ્વરૂપસમાધિમાંથી બહાર આવવું પડે અને જો તે ઈશ્વરત્વમાંથી બહાર આવે તો તો તે એક સામાન્ય જીવ ઠરે. જો આમ થાય તો તેને પણ કર્મ હોય અને તેણે તે કર્મનાં ફળ ભોગવવાં પડે. તેથી પાછો વળતો પ્રશ્ન થાય કે તેને કર્મફળ કોણ ભોગવાવે?
ઈશ્વરને પરનાં કાર્ય કરનારો, ફળ આપનારો માનવામાં આવે તો ઈશ્વરને કર્મ આદિ બંધન વળગે છે. તે ઉપાધિવાળો, પરાધીન, રાગાદિ દોષથી યુક્ત ઠરે છે. પરંતુ ઈશ્વર તો કર્મ, રાગ આદિથી રહિત હોવો ઘટે. ઈશ્વર કર્મ, રાગ આદિ દોષોથી રહિત હોવાથી પરને ફળ આપવાની પ્રવૃત્તિ કરી શકે નહીં. ઈશ્વર પૂર્ણ શુદ્ધ દશાવાન હોવાથી તેનામાં જગતના જીવોને ફળ આપવાનું કાર્ય ઘટી શકે નહીં.
અહીં એવો વિકલ્પ થવો સંભવે કે ઈશ્વર રાગરહિત રહી પરનું કાર્ય કેમ ન કરી શકે? તો તેનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધ દશામાં એ કાર્ય થવું સંભવતું નથી. પરનું કરવાની વૃત્તિમાં ઇચ્છા છે અને ઇચ્છા એટલે રાગ. રાગ તે જ દુઃખ છે, જે પૂર્ણ શુદ્ધ ઈશ્વરમાં સંભવે નહીં અને તેથી ઈશ્વર તેવા પ્રકારનાં કાર્ય કરી શકે નહીં. ઈશ્વરમાં કોઈ દોષ ન સંભવે, કોઈ ઉપાધિ ન સંભવે. ઈશ્વરમાં રાગ આદિનો સદ્ભાવ માનવો યોગ્ય ગણાય નહીં. ઈશ્વર એટલે કોઈ પણ પરદ્રવ્ય-પરભાવ વિનાની પૂર્ણ પવિત્ર સ્વાધીન દશા. ઈશ્વર પૂર્ણ, પવિત્ર, નિર્મળ, સચ્ચિદાનંદમય, વીતરાગી પરમાત્મા ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭-૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org