Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૭૯
ભૂમિકા.
- જીવને કર્મનું કર્તાપણું કયા પ્રકારે છે તે વિષે ન્યાયયુક્ત દલીલો દ્વારા
શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને શલ્યની જેમ પીડતા વિકલ્પો દૂર થાય છે અને તત્વનિર્ધાર થાય છે. જીવના કર્તૃત્વ સંબંધીની સર્વ શંકાઓ નિર્મૂળ થતાં તેને જીવના કર્તાપણા વિષે દઢ નિર્ધાર થાય છે. શ્રીગુરુના મુખથી ઝરતી સૌમ્ય વાણીથી શિષ્યના અંતરમાં તત્ત્વનો પ્રકાશ પ્રગટે છે અને તે માટે વિનીત શિષ્ય શ્રીગુરુને પરમ ઉપકારી ગણે છે તથા પોતાને ધન્ય થયેલો માને છે.
શિષ્ય પરમાર્થનો ઇચ્છુક છે, તેથી તેની વિચારશ્રેણી તત્ત્વજ્ઞાનની ગુફામાં ઊંડી ઊતરતી જાય છે. કર્મનું કર્તાપણું સમજાયા પછી સુવિચારવાન શિષ્યની વિચારધારા જીવના ભોક્નત્વ સંબંધી મનન કરે છે. આમ, સરળચિત્ત વિનયસંપન શિષ્ય ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે' એ ત્રણ પદનો સ્વીકાર કરી, હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું ચોથું પદ “આત્મા કર્મના ફળનો ભોક્તા છે' એ વિષે પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે.
સુવિચારવાન શિષ્ય વિચારે છે કે જીવે નિબંધન કરેલાં કર્મ જો ભોગવ્યા વગર અફળ જતાં હોય તો પછી બંધ-મોક્ષની વ્યવસ્થા કઈ રીતે હોઈ શકે? કર્મનું ફળ અવશ્ય ભોગવવા યોગ્ય છે એમ તેને ભાસતું હોવા છતાં, ન્યાયથી એ વાત તેને હજી સિદ્ધ થતી નથી. અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ ગઈ છે અને તેથી તેને આત્માના કર્મફળભોસ્તૃત્વ વિષે અનેક શંકાઓ ઊઠે છે. તેના સંતોષકારક સમાધાન અર્થે તથા આત્માના કર્મફળભોસ્તૃત્વ વિષે અફર નિર્ણય થવા અર્થે તે પોતાની દલીલો શ્રીગુરુ સમક્ષ રજૂ કરી, સમાધાન માટે શ્રીગુરુને યાચના કરે છે.
આત્માના ભોફ્તત્વના વિષય માટે શ્રીમદે આઠ ગાથાઓ (૭૯-૮૬)ની રચના કરી છે. તેમાં પ્રથમ ત્રણ ગાથાઓ(૭૯-૮૧)માં વિનીત શિષ્ય આત્માના ભોસ્તૃત્વરૂપ ચોથા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. ‘આત્મા ભોક્તા નથી' એમ જણાવવા માટે શિષ્ય અહીં બે દલીલો રજૂ કરે છે. તે પછી શ્રીગુરુ તે દલીલોનું સમાધાન પાંચ ગાથાઓ (૮૨-૮૬)માં આપે છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના ભોસ્તૃત્વને સિદ્ધ કરી આપે છે.
જીવનું કર્મફળભોક્તાપણું અસંભવિત છે એમ બતાવતાં શિષ્ય પ્રથમ દલીલ એમ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org