Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૪
૫૧૧
નિર્ણય થાય છે. જ્ઞાન વડે આત્મસત્તા ખ્યાલમાં આવે છે, આત્મસત્તાનો નિઃશંક નિર્ણય થાય છે. જ્ઞાન ત્રિકાળી આત્મસત્તાને પ્રગટ કરે છે. આ કારણે આત્મા અનંત ગુણાત્મક હોવા છતાં તેને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. આથી વિપરીત પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ – એ પાંચે દ્રવ્યો જ્ઞાનગુણરહિત છે. એ પાંચ તત્ત્વમાં ચૈતન્યસ્વભાવ નથી. તેમાં ચૈતન્યસ્વભાવથી વિરોધી એવો અચેતન સ્વભાવ છે. જાણવાનો સ્વભાવ એકમાત્ર આત્માનો જ છે. આત્મા ક્યારે પણ જાણવાનું છોડતો નથી એ ચેતનપણાની વિશિષ્ટતા છે અને પુદ્ગલાદિ ક્યારે પણ જાણી શકતા નથી એ જડપણાની વિશિષ્ટતા છે.
ચૈતન્યસ્વરૂપી એવો આત્મા અજ્ઞાનાવસ્થામાં રાગ-દ્વેષ વગેરે રૂપે પરિણમે છે અને તેથી તે કર્મથી બંધાય છે. જો આત્મા ચૈતન્યસ્વરૂપી ન હોય તો તે રાગાદિ પરિણતિ ન કરે અને એ પરિણતિ વગર કર્મબંધ પણ ન થાય. પરંતુ જીવમાં ચૈતન્યશક્તિ છે અને તેથી તે અજ્ઞાનના કારણે પોતાના સ્વભાવને ભૂલીને પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. જીવના આ વિકારી પરિણામનું નિમિત્ત પામીને, કાર્મણ વર્ગણા કે જેમાં કર્મરૂપે પરિણમવાની યોગ્યતા છે, તે કર્મરૂપે પરિણમી, જીવ સાથે એકક્ષેત્રે બંધાય છે. એ કાર્મણ વર્ગણા જ્યારે આત્માને ચોંટે છે ત્યારે જ તે ‘કર્મ' સંજ્ઞા પામે છે, તે પહેલાં નહીં. ત્યારપછી જ તે કર્મ કહેવાય છે. જ્યારે તે પુદ્ગલો લોકાકાશમાં કાર્પણ વર્ગણારૂપે હોય છે ત્યારે તે પુદ્ગલો કર્મ સંજ્ઞા પામતાં નથી.
લોકમાં સર્વત્ર કાર્મણ વર્ગણા નામનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓ છે. કાર્યણ વર્ગણાનાં પુદ્ગલો વાતાવરણમાં સહજપણે વિહરતાં હોય છે. જ્યારે આત્મામાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે તે પુદ્ગલો ખેંચાઈને આત્મા સાથે બંધાય છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ હોવા છતાં જીવ જ્યારે રાગ-દ્વેષ કરે છે ત્યારે કાર્પણ વર્ગણામાં પણ તેને
અનુરૂપ એક એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે જેના કારણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ રાગ-દ્વેષથી અભિભૂત બનેલા જીવમાં આસ્રવ પામે છે અને આ આસવના
પરિણામે જીવ કર્મ સાથે બંધાય છે.
જો ચેતનની આવી પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? જડમાં તો પ્રેરણા કે સ્ફુરણાનો ધર્મ જણાતો નથી. જો જડનો પ્રેરણાસ્વભાવ હોય તો ઘટ-પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવાં જોઈએ અને કર્મનાં ગ્રહણકર્તા હોવાં જોઈએ. પ્રેરણાસ્વભાવના કારણે જેમ જીવ ક્રોધાદિ ભાવે પરિણમી કાર્રણ વર્ગણાના પુદ્ગલને કર્મરૂપે ગ્રહણ કરે છે, તેમ ઘટ-પટાદ જડ પદાર્થો પણ ક્રોધાદિ ભાવે પરિણમી કર્મના ગ્રહણ કરનારા હોવા જોઈએ; પણ તેવો અનુભવ કોઈને ક્યારે પણ થતો નથી. આ વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org