Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૬
૫૫૫
ઉદય પણ અસંભવિત બને. સ્ફટિકમાં પ્રતિબિંબ પડે છે, તેથી સ્ફટિકનું પરિણામ માનવું પડે છે. જો સુખ-દુઃખનું પુરુષમાં પ્રતિબિંબ પડતું હોય તો તે દ્વારા પુરુષમાં અમુક પ્રકારનું પરિણામ થાય છે, એટલે કે અમુક અંશે ભોક્તત્વ છે એમ તેમણે કબૂલ કરવું જ રહ્યું. વળી, પરિણામ છે તેથી પુરુષનું કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન ચાલે, એટલે જીવ કર્તા તેમજ ભોક્તા છે.
કર્મના કર્તાપણા વિષે દલીલ કરતાં સાંખ્યમતવાદીઓ એમ કહે છે કે વાસ્તવિક રીતે તો ચેતનાશક્તિમાં પરિણામ અને ક્રિયા હોતાં નથી. ઔપચારિક રીતે પુરુષમાં ક્રિયા માનવામાં આવી છે, પરંતુ તત્ત્વનિર્ણય કરવામાં ઉપચાર અનુપયોગી હોવાથી જો ચેતનાશક્તિમાં ક્રિયાનો ઉપચાર માનવામાં આવે તો ઔપચારિક વ્યવહાર બુદ્ધિમાન પુરુષોએ ગ્રહણ કરવા યોગ્ય નથી. વળી, આમ માનવાથી પ્રત્યેક આત્મામાં સુખ-દુઃખનું જ્ઞાન પણ નિરાધાર થશે, કેમ કે સાંખ્યમત અનુસાર વાસ્તવિક રીતે સુખ-દુઃખનો સંબંધ આત્મા સાથે નથી. સુખ-દુઃખનું જ્ઞાન બુદ્ધિથી જન્ય છે તેમ માનવું પણ ઠીક નથી, કારણ કે સાંખ્યમતમાં બુદ્ધિને જડસ્વરૂપી માનવામાં આવી છે. બુદ્ધિ જો જડ હોય તો બુદ્ધિથી પદાર્થોનો નિશ્ચય થઈ શકે નહીં. બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતનાશક્તિના સંબંધથી ચેતનની જેમ પ્રતિભાસે છે એમ કહેવું પણ યથાર્થ નથી; કેમ કે જેમ ચૈતન્યવાન પુરુષનું અચેતન એવા દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં પણ દર્પણમાં ચૈતન્યતા આવી શકતી નથી, તેમ અચેતન બુદ્ધિમાં ચેતનપુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનની પ્રાપ્તિ થઈ શકતી નથી. ચેતન અને અચેતનનો સ્વભાવ અપરિવર્તનીય હોવાથી તેનું પરિવર્તન કરવા કોઈ પણ સમર્થ થઈ શકતું નથી. વળી, અચેતન બુદ્ધિમાં ચેતનનો આરોપ કરવામાં આવે છે, પરંતુ તેવા પ્રકારના આરોપથી અર્થક્રિયા થઈ શકતી નથી. જેમ કોઈ બાળકનો અતિ ઉગ્ર સ્વભાવ હોવાથી તેનું નામ ‘અગ્નિ’ રાખવામાં આવે તોપણ તે અગ્નિ જેવો બાળક અગ્નિથી સાધ્ય એવી દાહ-પાક આદિ અર્થક્રિયા કરવા સમર્થ થઈ શકતો નથી; તેમ અચેતન બુદ્ધિમાં ચેતનનો આરોપ કરવા છતાં પણ જડ એવી બુદ્ધિ પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકતી નથી, પદાર્થોનું જ્ઞાન તો ચેતનાશક્તિથી જ થઈ શકે છે. સાંખ્ય દર્શનમાં બુદ્ધિના ધર્મ આદિ આઠ ગુણો માન્યા છે, પણ તે વચનમાત્ર જ છે; કેમ કે ધર્મ આદિ ગુણો આત્માના છે, બુદ્ધિના નથી; તેમજ અહંકાર બુદ્ધિથી જન્ય નથી, અહંકાર અભિમાનરૂપ હોવાથી આત્મામાં ઉત્પન્ન થાય છે; અચેતન બુદ્ધિમાં અહંકાર આદિ ઉત્પન્ન થઈ શકતા નથી.
સાંખ્ય દર્શનના સિદ્ધાંતો અનુસાર ચૈતન્ય આત્માનો સ્વરૂપધર્મ છે, પણ જ્ઞાન ચૈતન્યસ્વરૂપ નથી, જ્ઞાન એ આત્માનો સ્વભાવધર્મ નથી, પરંતુ તે બુદ્ધિતત્ત્વનો ધર્મ છે. પ્રથમ પ્રકૃતિ, તે પ્રકૃતિના વિકારથી બુદ્ધિતત્ત્વ અને બુદ્ધિતત્ત્વથી જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org