Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વર, પરમાત્મા, અહિત કે સિદ્ધના નામથી સંબોધવાને યોગ્ય છે. જે આત્માઓના આ ચાર ગુણો ઢંકાયેલ છે તે સંસારી કહેવાય છે. આ સંસારી આત્માઓ પણ ઈશ્વર - પરમાત્મા - સિદ્ધ બનવાની યોગ્યતા ધરાવે છે. આ દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે વ્યક્તિગત રીતે અમુક આત્માઓ સંસારી ગણાય છે અને અમુક આત્માઓ સિદ્ધ ગણાય છે. આ ભેદ સ્વાભાવિક નહીં પણ કારણજન્ય (આત્માની પોતાની સાધનાના કારણે થયેલી છે. સામૂહિક દૃષ્ટિએ સંસારી અને સિદ્ધ એવા બે વર્ગો કાયમના હોવા છતાં વ્યક્તિગત દૃષ્ટિએ આ ભેદ કાયમનો નથી. જે વ્યક્તિ આ ક્ષણે સંસારી વર્ગમાં હોય તે બીજી જ ક્ષણે સિદ્ધ વર્ગમાં ભળી જઈ શકે છે.
જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તેમના માટે કોઈ ઉપાસ્ય - આરાધ્ય નથી રહેતું. પોતાથી પહેલાં થયેલા સિદ્ધોમાં અને તેમના પોતાનામાં કોઈ જાતનો સ્વરૂપભેદ નથી રહેતો. સિદ્ધોમાં વૈષમ્ય નથી હોતું. બધા જ સિદ્ધો સમાન હોય છે અને બધા જ પોતપોતાના સ્વરૂપમાં રમણતા કરે છે.
જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સંસારી જીવો સાથેના તેમના સંબંધ છૂટી જાય છે. પછી તેઓ માત્ર સંસારના દ્રષ્ટા જ રહે છે. તેમનામાં સંસારી જીવો પ્રત્યે કશું કરવાપણું રહેતું નથી. સિદ્ધ જીવ કોઈનું ભલું-ભૂંડું કરતા નથી. તેમના પ્રસાદથી જીવોના ઉદ્ધારની અને તેમના કોપથી જીવની દુર્ગતિની સંભાવના જ નથી.
કોઈ ઈશ્વર કે સિદ્ધ અન્ય જીવોનો ઉદ્ધાર નથી કરી શકતા. પોતાનાં કર્મનો નાશ જીવે પોતે જ કરવાનો છે. બધા જીવોમાં સ્વભાવદષ્ટિએ સામ્ય હોવા છતાં જે વિષમતા દેખાય છે, તેનું કારણ તે તે જીવનાં કર્મ છે. તે કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન જીવે પોતે જ કરવાનો છે. દરેક જીવ પોતાની ઉન્નતિને માટે સ્વયં જવાબદાર છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે આવા ઈશ્વર સંસારી જીવોના શા ઉપયોગમાં આવે? જો તેઓ કોઈનું ભલું કરતા નથી, કોઈનો ઉદ્ધાર કરતા નથી, તો તેમની ભક્તિ કરવાનો શો અર્થ? ઈશ્વરની ઉપાસનાની આવશ્યકતા ક્યાં રહી? ઈશ્વરને પૂજવા, જપવા, આરાધવાથી શું લાભ? જ્યારે ઈશ્વર કંઈ જ કરતા નથી, કોઈને સુખી-દુઃખી કરતા નથી, કોઈને સારાં-નરસાં ફળ આપતા નથી તો એવા ઈશ્વરની પૂજા, ભક્તિ, જાપ, આરાધના વગેરે બધું વ્યર્થ, નિરર્થક જ જશેને?
- આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ, મુક્ત, વીતરાગી, સચ્ચિદાનંદી, પરમાત્માની ભક્તિ, પૂજા, જાપ, ધ્યાનથી જીવમાં નિર્મળ ભાવ જાગે છે. તેમની ઉપાસનાથી જીવમાં શુદ્ધિ આવે છે અને તેથી તેનાં કર્મોનો નાશ થાય છે. તે કર્મોનાં બંધનમાંથી મુક્ત થાય છે. આમ, ઈશ્વરની આરાધના કર્મક્ષયકારક હોવાથી સાર્થક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org