Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૮
૬૦૩
પણ આવું તો ક્યારે પણ બની શકતું નથી. કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનાં જ્ઞાનાવરણીયાદિ પરિણામ પુદ્ગલ પોતે જ જીવના રાગ-દ્વેષાદિ અધ્યવસાયોનું નિમિત્ત પામીને કરે છે, અર્થાત્ “જીવના અધ્યવસાયના નિમિત્તે પુદ્ગલ પોતે જ સ્વપરિણામનો કર્તા છે' એવું નિશ્ચયનય માને છે.
પોતાના સ્વરૂપના ભાનથી રહિત એવો અજ્ઞાની જીવ કર્મના ઉદયમાં તણાઈ જાય છે, તેથી વિભાવરૂપે - પરભાવરૂપે પરિણમે છે. તે પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તતો નહીં હોવાથી કર્મના પ્રભાવનો - કર્મભાવનો કર્તા બને છે. અજ્ઞાની જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો કર્તા થાય છે. અજ્ઞાન ભાવે તે વિકારનો - દોષનો કર્તા છે. આત્મસ્વરૂપના અભાનમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે. આમ, અનાદિ કાળથી તે પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને પરના કર્તુત્વના વિકલ્પોમાં ઊલઝાયેલો રહ્યો છે. પોતાનો સ્વભાવ, જે માત્ર જાણવા-જોવાનો છે, તેને ભૂલીને પરનો કર્તા થવા જાય છે અને તેથી તે દુઃખી થાય છે.
અજ્ઞાની જીવ પરભાવનો કર્તા થતો હોવાથી દ્રવ્યકર્મનો બંધ કરે છે. તે અહંમમભાવ કરી કર્મબંધ કરતો રહે છે. અજ્ઞાનપૂર્વક વર્તતો હોવાથી તેને શુભાશુભ કર્મબંધ થાય છે. અજ્ઞાની આત્મા શુભાશુભ કર્મબંધ કરી સંસાર વધારતો રહે છે. પોતે કર્મનાં બંધનોથી બંધાઈ, અનેક જન્મ-મરણના પાશમાં પડે છે. જડ પુગલદ્રવ્યોની પરાધીનતા સહિત જીવન જીવતો હોવાથી તે કર્મબંધ કરી ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. આમ, પરિભ્રમણનું ચક્ર તેના પરભાવના કર્તુત્વના આધાર ઉપર ચાલે છે. તેના આ પરિભ્રમણને કરવાવાળો બીજો કોઈ નથી.
નવાં કર્મો બાંધવાં કે ન બાંધવાં એ જીવના હાથની વાત છે. જીવ જો ક્રોધાદિ કષાય કરે તો તે દ્રવ્યકર્મનો કર્તા થાય. જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને વિભાવમાં રાચે તો જડ કર્મનો કર્તા થાય. કર્મબંધ અટકાવવા માટે જીવે આત્માના શુદ્ધ સ્વરૂપ અને શરીરાદિ જડ પુગલના સંયોગોની યથાતથ્ય ભિન્નતાને અવિસંવાદી ભાવે જાણવી જરૂરી છે. તે માટે જડ-ચેતનનો સાચો વિવેક પ્રગટાવવો આવશ્યક છે. એમ નિર્ધાર કરવો ઘટે છે કે “આ મલિન દશા એ મારું સ્વરૂપ નથી, પણ એને પ્રતિબિંબિત કરનારી ત્રિકાળી સત્તા એ મારું સ્વરૂપ છે.' આવ-જા કરનારા ક્રોધાદિ ભાવ એ નિજ સ્વભાવ નથી, પણ એને નિરંતર પ્રતિબિંબિત કરનાર સનાતન જ્ઞાયકતત્ત્વ એ નિજસ્વરૂપ છે. જીવે સતત સ્વરૂપની જાગૃતિપૂર્વક રહેવું ઘટે છે. તે માટે તેણે સ્વરૂપનો અભ્યાસ કરવા યોગ્ય છે.
જીવ તો પરનો અકર્તા છે, જ્ઞાનસ્વભાવી છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે. આત્મા માત્ર જ્ઞાન જ કરી શકે છે. પરમાં કોઈ પણ ફેરફાર કરી શકવા માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org