Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૮
૬૦૫
જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને અંતર્મુખ થઈ પકડતાં પ્રતીતિ થાય છે કે હું પૂર્ણાનંદનો નાથ છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી.' દ્રવ્યસ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થતાં, નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ હોવાથી જ્ઞાની એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું.'
આત્માને સમ્યજ્ઞાન થતાં ભાન થાય છે કે “હું સમસ્ત પરદ્રવ્ય તથા પરભાવથી ભિન્ન ત્રિકાળી શુદ્ધ આત્મસત્તા છું.' જ્ઞાની ન શરીરરૂપે પોતાને માને છે, ન મનરૂપે પોતાને માને છે, ન શુભાશુભરૂપે પોતાને માને છે. તે તમામમાંથી હુંપણું હટાવી તેમણે સ્વસ્વરૂપમાં અહંતા સ્થાપી છે, તેથી તે તમામથી તેઓ ભિન્નપણે વર્તે છે. તેમણે પોતાના આત્માને એકાકી, અનંત જ્ઞાનાદિ ગુણમય સ્વરૂપે ઓળખ્યો છે અને તેથી તેઓ પોતાના આત્માને સમસ્ત પરથી અળગો જાણે છે. આત્માની સાથે જોડાયેલ મન-વચન-કાયાના યોગ વગેરે પુદ્ગલથી આત્મા તો ભિન્ન જ છે એવો નિઃશંક બોધ તેમને નિરંતર વર્તે છે.
જ્ઞાની એકમાત્ર આત્માને જ ભજતા હોવાથી તેમને પરની તૃષ્ણા નથી હોતી. તેમને કોઈ સ્પૃહા નથી હોતી. મહાસુખની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી તેમને કોઈ પદાર્થમાં રસ નથી પડતો. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશ' માં લખે છે કે એક શુદ્ધ આત્માને મૂકીને જ્ઞાનીઓને બીજી કોઈ વસ્તુ સારી, સારરૂપ, રમણીય લાગતી નથી; તેથી પરમાર્થને જાણનારાઓનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી. કેવળજ્ઞાનાદિ અનંત ગુણોના ધારક એવા આત્માને મૂકીને અન્ય વસ્તુ જ્ઞાનીઓનાં મનમાં રુચતી નથી. જેમણે મરકત (નીલમ) જાણી લીધો છે તેને કાચથી શું પ્રયોજન? કંઈ પણ નહીં.'
- મિથ્યાત્વનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વસ્વરૂપ યથાર્થપણે સમજાય છે, તેથી તેમને અક્ષય સુખધામ એવું એક નિજ શુદ્ધ પરમાત્મતત્ત્વ જ સુખરૂપ, સારરૂપ, સુંદર, રુચિકારક, રમણીય લાગે છે અને ચિત્ત તેમાં જ એકાગ્ર રહે છે. આત્મા વિના બીજું કાંઈ તેમને સુંદર લાગતું નથી. જ્ઞાનીનું મન ભવભ્રમણનાં કારણરૂપ એવા પાંચ ઇન્દ્રિયના ભોગોમાં રમતું નથી. સ્વરૂપસુજાણ એવા જ્ઞાનીનું મન વિષયોમાં રમતું નથી. તેઓ તો વિષયોથી સદા વિરક્ત જ રહે છે. આત્માનાં અખંડ અનંત સુખને જે જાણે છે તે પરમાં જાય જ શા માટે? જેણે મરકત પરખ્યો હોય તેને કાચ વિષે પ્રીત કઈ રીતે ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૭૭,૭૮
'अप्पा मिल्लिवि णाणियहँ अण्णु ण सुंदरु वत्थु । तेण ण विसयहँ मणु रमइ जाणंतहँ परमत्थु ।। अप्पा मिल्लिवि णाणमउ चित्ति ण लग्गइ अण्णु । मरगउ जें परियाणियउ, तहुं कच्चे कउ गण्णु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org