Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ક્યાંનો ન્યાય? વળી, પ્રકૃતિ સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવે છે ખરી, પણ તે પોતાના માટે નહીં, પુરુષના ઉપયોગ માટે. આ પણ કેટલું નિઃસ્વાર્થપણું! વળી, સાંખ્ય પ્રકૃતિને નિર્વૈયક્તિક (impersonal) કહે છે; પરંતુ તેનાં વર્ણનો જોતાં તેને નર્તકી, ગુણવતી, ઉદાર, પુરુષની નિષ્કામભાવે સેવા કરવાવાળી કહી છે, જેમાં નારીના વ્યક્તિત્વની ઝલક દેખાય છે.
જો પુરુષ સ્વયં રાગ, વિરાગ, વિપર્યય, વિવેક અને જ્ઞાન-વિજ્ઞાનરૂપ પરિણમનોનું વાસ્તવિક ઉપાદાન હોય તો તેને લંગડો કહી શકાતો નથી. એક દૃષ્ટિએ પ્રકૃતિ ન કેવળ આંધળી છે, કિંતુ પુરુષના પરિણમનો માટે તે લંગડી પણ છે. જે કરે તે ભોગવે' એ એક નિરપવાદ સિદ્ધાંત છે, તેથી પુરુષમાં જો વાસ્તવિક ભોક્તત્વ માન્યા વિના છૂટકો નથી, તો વાસ્તવિક કર્તૃત્વ પણ તેનામાં જ માનવું ઉચિત છે. જો કર્તૃત્વ અને ભોક્તૃત્વ અવસ્થાઓ પુરુષગત જ થઈ જાય છે તો તેનું કૂટસ્થ નિત્યત્વ આપોઆપ સમાપ્ત થઈ જાય છે; માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પરિણામ પ્રત્યેક સત્ત્નું અપરિહાર્ય લક્ષણ છે, ભલે તે ચેતન હોય કે અચેતન, મૂર્ત હોય કે અમૂર્ત. પ્રત્યેક સત્ પ્રતિક્ષણ પોતાના સ્વાભાવિક પરિણામી સ્વભાવ અનુસાર એક પર્યાયને છોડીને બીજી પર્યાયને ધારણ કર્યા કરે છે. આ પરિણમન સદેશ પણ હોય છે અને વિસર્દેશ પણ હોય છે.
આમ, સાંખ્ય દર્શનની તત્ત્વપ્રક્રિયામાં ઘણા દોષો છે. વિવેચનાત્મક દૃષ્ટિએ જોતાં સાંખ્ય દર્શનમાં અનેક શંકાસ્થળો છે, જેનો યોગ્ય પ્રત્યુત્તર સાંપડતો નથી. પુરુષ તેમજ પ્રકૃતિ બન્નેનું સ્વરૂપ, બન્નેનો પરસ્પર સંબંધ, હેતુલક્ષી વિકાસવાદ, મોક્ષની કલ્પના વગેરે પ્રશ્નોનું નિરાકરણ સાંખ્ય દર્શન સફળતાપૂર્વક કરી શક્યું નથી.૧
સાંખ્યમાન્ય આત્મા ફૂટસ્થ નિત્ય છે, જ્યારે જૈન દર્શનની દૃષ્ટિએ આત્મા પરિણામી નિત્ય છે. સાંખ્યસમ્મત આત્મા અકર્તા અને અભોક્તા (અથવા તો ગૌણ ભાવે ભોક્તા) છે, જ્યારે જૈનસમ્મત આત્મા વાસ્તવિક દૃષ્ટિએ કર્તા અને ભોક્તા છે; તેથી જૈન દર્શન આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિરૂપે ગુણોની હાનિ-વૃદ્ધિ અથવા પરિણામ સ્વીકારે છે, જ્યારે સાંખ્ય પરંપરા એવું કંઈ માનતી નથી. સાંખ્યમત પ્રમાણે આત્માને બંધન અને મુક્તિ ઔપાધિક છે, જ્યારે જૈનમત અનુસાર આત્માને બંધન અને મુક્તિ વાસ્તવિક છે. સાંખ્યમત મુજબ આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો નથી, જ્યારે જૈનમત પ્રમાણે આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો છે. હકીકતમાં તો સાંખ્ય પરંપરા આત્માને કોઈ પણ પ્રકારનાં આવરણો હોય એમ સ્વીકારતી જ નથી.
૧- સાંખ્ય દર્શનની જેમ વેદાંત દર્શન પણ આત્માને એકાંતે અસંગ માને છે, પરંતુ પ્રસ્તુત ગાથામાં વેદાંત દર્શનની માન્યતાનું નિરસન અપેક્ષિત ન હોવાથી વેદાંત દર્શનની માન્યતાનું અયથાર્થપણું અહીં દર્શાવવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org