Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૬
૫૬૩ પછી પણ શુદ્ધ છે, તેથી કોઈ અધિકતા થતી નથી; તો તેઓ પ્રકૃતિના વિયોગ માટે તેનાં તત્ત્વજ્ઞાનાદિ ઉપાયો શા માટે કરે છે? જો તેઓ આ પ્રયાસો કરે છે તો તેમણે સ્વીકારવું જોઈએ કે મુક્ત દશામાં કોઈક અધિકતા અવશ્ય થાય છે. પરંતુ આમ સ્વીકારવામાં આવે તો આત્માની કૂટસ્થ નિત્યતા બાધિત થાય છે અને પરિણામી નિત્યતા સિદ્ધ થાય છે. પુરુષને પરિણામી નિત્ય માન્યા વિના ન તો પ્રતીતિસિદ્ધ લોકવ્યવહારનો નિર્વાહ થઈ શકે છે અને ન તો પારમાર્થિક લોક-પરલોક કે બંધ-મોક્ષ વ્યવસ્થાનું સુસંગત રૂપ બની શકે છે. પુરુષમાં કર્તુત્વ જેવું કંઈ ન હોય તો પછી બંધ અને મોક્ષ એ બધું કેવી રીતે ઘટે? આત્મા સુખ-દુઃખ ભોગવતો ન હોય તો સઘળો વ્યવહાર કઈ રીતે ચાલે?
એક જ ચૈતન્ય હર્ષ, વિષાદ, જ્ઞાન આદિ અનેક પર્યાયોને ધારણ કરવાવાળું સંવિતરૂપે અનુભવમાં આવે છે. તેનામાં જ અહંકાર આદિ સંજ્ઞાઓનું નિરૂપણ કરી શકાય છે. આ વિભિન્ન ભાવોને ચેતનથી ભિન્ન જડ પ્રકૃતિના ધર્મ માની શકાતા નથી. જળમાં કમળની જેમ પુરુષ જો સર્વથા નિર્લિપ્ત હોય તો પ્રકૃતિગત પરિણામોનું ઔપચારિક ભોસ્તૃત્વ ઘટાવવાથી પણ વસ્તુતઃ ન તો તે ભોક્તા સિદ્ધ થાય છે અને ન ચેતયિતા; તેથી પુરુષને વાસ્તવિક ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો આધાર માનીને તેને પરિણામી નિત્ય જ સ્વીકારવો જોઈએ, અન્યથા કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના દૂષણ આવે છે અને કર્મનો નૈતિક નિયમ નિરર્થક બની જાય છે. પ્રકૃતિએ જે કાર્ય કર્યું, તેનું ફળ તે તો ભોગવતી નથી અને પુરુષ ભોક્તા છે, તો તે કર્તા નથી. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી ‘સિદ્ધાંતસારસંગ્રહ'માં કહે છે કે પ્રધાન(પ્રકૃતિ)ને કર્મબંધ થાય છે અને તેનો અનુભવ આત્માએ કરવો પડે છે એવું કહેનાર સાંખ્ય દર્શનનું આ વચન જો સત્ય હોય તો આ લોકવાક્ય પણ સત્ય કેમ નહીં માનવું જોઈએ કે આગળનો પુરુષ ભાર વહન કરે છે અને પાછળનો મનુષ્ય તે ભારથી ચીસ પાડે છે. એક મનુષ્ય પ્રિય ભોજન કરે છે અને બીજા મનુષ્યને તેનાથી તૃપ્તિ થાય છે.'
પ્રકૃતિની દરેક પ્રવૃત્તિ જો હંમેશાં પુરુષના આનંદ અર્થે જ થતી હોય તો પુરુષને દુ:ખ કેમ પહોંચે છે? ગરીબ બિચારો પુરુષ પોતાનો કોઈ પણ દોષ થયા વગર સહન કરે છે. કાર્ય કરે પ્રકૃતિ અને સારા-માઠાં ફળ પુરુષે ભોગવવાં પડતાં હોય તો એ ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૭૧,૭૨
'प्रधानं कर्म बध्नाति भोक्तात्मेति प्रजल्पतः । सांख्यस्य सत्यमायातं लोकवाक्यमिदं भुवि ।। अग्रगो हरते भारं मुहुःस्वनति पृष्ठतः । भुक्तिक्रियां करोत्यन्यस्तृप्तिमन्योऽधिगच्छति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org