Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૫
૫૪૧
અમારો પણ મૂળ ધર્મ છે; પરંતુ તે શુદ્ધ આત્મધર્મની શ્રદ્ધા, ઓળખાણ અને રમણતાના વિયોગે અમને પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં સ્વપણાની માન્યતા, ઓળખાણ અને રમણતારૂપ વિપરીત ભાવ - વિભાવ - કર્મકલંકરૂપ અધર્મ વળગ્યો છે. વસ્તુનો સ્વભાવ તે તેની સ્વજાતિ છે. તેનો કોઈ કાળે મૂળથી અભાવ થતો નથી. કોઈ દ્રવ્ય સ્વજાતિ મૂકી વિજાતીય થતું નથી, પરંતુ પુદ્ગલકર્મને અનુસરવાથી આત્માની પરિણતિ વિભાવરૂપે પરિણમે છે, માટે આત્મા કર્મક્લેશથી લેપાય છે અને તેથી તેનો સ્વધર્મ આવરણ પામે છે. જે વિભાવ છે તે પરના, એટલે કે પુગલકર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા આત્માના વિકારી ભાવ છે. નિમિત્તથી ઉત્પન્ન થતા તે ભાવ નૈમિત્તિક કહેવાય છે. પરપુગલના નિમિત્તથી અજ્ઞાની આત્માનાં પરિણામ વિકારી થાય છે અને તે વિકારી ભાવથી નવાં પુદ્ગલકર્મનું ગ્રહણ થાય છે. તે કર્મ ઉદયમાં આવે ત્યારે તેમાં જોડાતાં, ફરી આત્માનાં પરિણામ વિકૃત થાય છે, તેથી પુનઃ કર્મ બંધાય છે. આમ, પિતાથી પુત્ર અને પુત્રથી વળી પુત્ર, એમ સંતતિપરંપરાની જેમ કર્મના નિમિત્તથી આત્માના નૈમિત્તિક ભાવરૂપ વિભાવની સંતતિ અનાદિની છે. પાંચ ઇન્દ્રિયના વિષય આદિનો સંગ તે પરભાવનાં નિમિત્ત છે અને તે પરનિમિત્તના સંયોગે જે વિભાવ થાય છે તે અનાદિથી સંતતિપરંપરાએ ચાલ્યો આવે છે, અર્થાત્ તે આદિરહિત છે. અશુદ્ધ નિમિત્તને આધીન થઈ તદનુયાયી પરિણામ કરવાથી આ જીવે અનાદિથી સંસારમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે પરનો એટલે કે રાગાદિ ભાવકર્મનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો અને ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા થયો છે. તે જો શુદ્ધ નિમિત્તના આશ્રયે વર્તે તો પોતાના સ્વરૂપનો જ કર્તા થાય છે અને આત્મિક ગુણોથી નીપજેલી સહજાનંદ નિધિનો ભોક્તા થાય છે.
આમ, જીવ કર્મનો કર્તા છે, પરંતુ કર્મ કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી, પરંતુ વિભાવરૂપ અધર્મ છે. જીવની રાગાદિ ભાવરૂપ પ્રેરણાથી કર્મચહણ થાય છે, પરંતુ તે રાગાદિ ભાવ ભૂલસ્વરૂપે છે. તે ભૂલવાળી દષ્ટિ પલટાવી શકાય છે, તેથી કર્મકતૃત્વ તે જીવનો સ્વભાવરૂપ ધર્મ નથી, પરંતુ વિભાવરૂપ અધર્મ છે. આ કર્મકર્તુત્વ - વિભાવરૂપ અધર્મ જીવને અનાદિ કાળથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે. પ્રત્યેક સંસારી આત્માને અનાદિથી કર્મ સાથે સંબંધ છે.
આત્મા અને કર્મનો સંયોગ અનાદિ છે. સામાન્ય રીતે સંયોગ શબ્દ પૂર્વયોગને અનુલક્ષીને વપરાય છે, એટલે કે જ્યારે પ્રથમ બે વસ્તુઓ જુદી હોય અને પાછળથી ભેગી થાય ત્યારે તે વસ્તુઓનો સંયોગ થયો એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. પરંતુ કર્મ અને આત્માનો સંયોગ આ પ્રકારે નથી. અહીં સંયોગ શબ્દ વાપરવામાં આત્મા અને કર્મ એ બને ભિન્ન છે એ બતાવવાનો આશય છે. તે બન્નેનું સ્વરૂપ ભિન્ન છે. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, ઇન્દ્રિયાતીત છે, અમૂર્તિક છે, અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org