Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૪
૫૧૯
કાયમ ટકીને ક્ષણે ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. દ્રવ્યપણે તે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપ ન રહે, પલટ્યા જ કરે એવું તેનું સ્વરૂપ છે. અવસ્થા બદલાયા વગર પદાર્થ એમ ને એમ કૂટસ્થ રહે એવું તેનું સ્વરૂપ નથી. પદાર્થ કૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવે છે, પર્યાયને પ્રવહે છે. પદાર્થમાં સર્વથા નિત્યપણું નથી, પર્યાયથી પલટવાપણું પણ છે. આ જગતમાં જે કોઈ જડ કે ચેતન પદાર્થો છે તે સર્વમાં કાંઈ ને કાંઈ ફેરફાર થતો જોવા મળે છે, પછી ભલે તે ફેરફાર સ્થૂળ હોય કે સૂક્ષ્મ, અથવા એક પ્રકારનો હોય કે અનેક પ્રકારનો. પ્રત્યક્ષપણે જોવા મળતા આ ફેરફારોને તે તે પદાર્થ કર્તા છે.
આત્મા પણ પદાર્થ હોવાથી તે પણ પરિણામક્રિયા સહિત જ છે. ક્રિયાસંપન્ન છે તો સહેજે કર્તા પણ છે જ. પૂર્ણજ્ઞાની એવા શ્રી જિન પરમાત્માએ જીવનું કર્તાપણું કયા કયા પ્રકારે હોઈ શકે તે સ્યાદ્વાદશૈલીથી, એટલે કે ભિન્ન ભિન્ન અપેક્ષા દ્વારા સમજાવ્યું છે. અહીં શ્રીમદે ત્રણ મુખ્ય નય દ્વારા જીવનું કર્તાપણું બતાવ્યું છે. તે ત્રણ નય દ્વારા જીવનું કર્તાપણું નીચે પ્રમાણે છે – (૧) નિશ્રયદષ્ટિએ જોતાં દરેક આત્મા પોતપોતાની પરિણતિનો કર્તા છે. મોક્ષમાર્ગમાં રત્નત્રય(સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા)રૂપે આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે પરિણતિનો ઉત્પાદનકર્તા આત્મા પોતે જ છે અને અજ્ઞાન-અસંયમના કારણે શુભાશુભ ભાવારૂપે આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે પરિણતિનો ઉત્પાદનકર્તા પણ આત્મા પોતે જ છે. શુભાશુભ ભાવોની ઉત્પત્તિમાં અને શુદ્ધ ભાવોની ઉત્પત્તિમાં આત્મા પોતે જ કર્તા થઈને પરિણમે છે, બીજું કોઈ નહીં. આત્મા સદા પોતાના ભાવોને કરે છે અને પરદ્રવ્ય તેના પોતાના ભાવોને કરે છે, કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે. આમ, નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને પોતાના ભાવોનું કર્તાપણું છે. (૨) જેવો જેવો ભાવ આત્મા કરે છે, તેવાં તેવાં કર્મોનો તેની સાથે સંબંધ થાય છે.
જ્યારે આત્માનું વિભાવપરિણમન થાય છે ત્યારે તે વિભાવપરિણામના નિમિત્તે કર્મપુદ્ગલ અહણ થઈ આત્મા સાથે જોડાય છે. આ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મનો અનુપચરિત વ્યવહારનયથી આત્મા કર્તા કહેવાય છે. અનુપચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત. દ્રવ્યકર્મ અનુભવમાં આવવા યોગ્ય (સૂક્ષ્મ હોવાથી જોવામાં આવતાં નથી, છતાં તે સુખ-દુ:ખનાં નિમિત્ત હોવાથી અનુભવમાં આવવા યોગ્ય છે) અને આત્મા સાથે વિશેષ સંબંધ સહિત (એકક્ષેત્રે સંયોગી સંબંધ સહિત) હોય છે. દ્રવ્યકર્મ અને આત્માનો એકક્ષેત્રાવગાહ સંબંધ છે. દ્રવ્ય કર્મ અને આત્મા એક ક્ષેત્રમાં વ્યાપીને અત્યંત નિકટ રહે છે. આમ હોવા છતાં આત્મા ચેતન છે અને કર્મપરમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org