Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સંભવે છે.
આત્મા પ્રતિક્ષણ નાશ પામે છે એમ માનવામાં આવે તો તેના માટે નિર્વાણનો કોઈ અર્થ જ નહીં રહે. ક્ષણિકવાદ અનુસાર કર્મ, વ્યક્તિ, આત્મા આદિ બધું જ જો ક્ષણિક હોય તો દુઃખ પણ ક્ષણિક જ છે. પ્રત્યેક જ્ઞાનક્ષણોનું દુઃખ પણ, તે ક્ષણોનો નાશ થઈ જવાની સાથે નાશ પામી જાય છે, માટે દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે અને તેથી બુદ્ધે ઉપદેશેલાં ચાર સત્યોનું કાંઈ પ્રયોજન રહેતું નથી તેમજ નિર્વાણનો સિદ્ધાંત પણ નકામો નીવડે છે. ક્ષણિકવાદમાં બંધ-મોક્ષની વ્યવસ્થા નથી બની શકતી. શ્રી આનંદઘનજી મહારાજ લખે છે –
સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;
બંધ-મોક્ષ સુખ-દુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણો. બૌદ્ધોનો મત અયથાર્થ છે, કારણ કે આત્માને માત્ર ક્ષણિક જ્ઞાનરૂપ માનવાથી તેના બંધ-મોક્ષ ઘટી ન શકવાની આપત્તિ આવે છે. જરાક પણ સ્વભાવભેદે સર્વથા વસ્તુભેદ માનનારા બૌદ્ધમત પ્રમાણે જે બંધક્ષણ (બંધાવાના સ્વભાવવાળી ક્ષણ) છે તે તો મોક્ષક્ષણ (મુક્તિ થવાના સ્વભાવવાળી ક્ષણ) નથી અને જે મોક્ષક્ષણ છે તે બંધ-ક્ષણ નથી; પરંતુ બંધનના નાશરૂપ મોક્ષ તો ત્યારે જ ઘટે છે કે જે પુરુષનો બંધ છે તે જ પુરુષનો મોક્ષ થતો હોય. જે બંધાય છે તે જ મુક્ત થઈ શકે છે. બૌદ્ધમતમાં તો જે ક્ષણમાં બંધ છે, તે ક્ષણનો તો સર્વથા નાશ થઈ જાય છે અને જેનો મોક્ષ થવાનો છે તે ક્ષણ પૂર્વક્ષણથી બિલકુલ ભિન્ન છે, તેથી ક્ષણિકવાદમાં અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણનો મોક્ષ થાય છે. મુક્તિ જેણે બંધ કર્યો હતો તેની નથી થતી, કિંતુ જેણે બંધ નથી કર્યો તેની મુક્તિ થાય છે. આ બિલકુલ અસંગત હોવાથી બૌદ્ધમતમાં મોક્ષનો અભાવ જ સિદ્ધ થાય છે.
એ નિયમ છે કે જે બંધાય તે છૂટે. જે બંધાયું જ નથી તેના છુટકારાની વાત કેવી રીતે સંભવે? માટે રાગાદિના કારણે જે બંધાય છે, તે જ કાળક્રમે વૈરાગ્યાદિ દ્વારા છૂટે છે એવું માનવાથી જ બંધ-મોક્ષ ઘટે છે. પરંતુ ક્ષણિકવાદના મત પ્રમાણે તો જે બંધાયો તે તો તે ક્ષણે જ નાશ પામી ગયો છે, તેથી મોક્ષ કોનો માનવો? બંધક્ષણ સર્વથા નાશ પામી જાય છે એવું માનનાર બૌદ્ધમતમાં ‘જે બંધાય તે મુકાય' - આ વ્યવહાર કોઈ રીતે ઘટતો નથી એ સ્પષ્ટ છે.
અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે એ ક્ષણપરંપરાની ક્ષણો ક્ષણિક હોવા છતાં તે ક્ષણોમાં અમે એક અનુગત વાસના માનીએ છીએ, જેનો રાગાદિથી વાસિત થતાં બંધ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી મુનિસુવ્રત ભગવાનનું સ્તવન, કડી ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org