Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૯
૪૨૫
સ્થિર છે તે જ અન્વયી આત્મા છે.
પૂર્વચિત્ત ઉત્તરચિત્તની સાથે સંબદ્ધ થતું નથી, પરંતુ પૂર્વચિત્તક્ષણ ઉત્તરચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે એમ કલ્પી સંસારની સિદ્ધિ કરવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કેમ કે એ પ્રમાણે પૂર્વચિત્ત અને અપર ચિત્તક્ષણોનો કારણ-કાર્યભાર માનવામાં આવે તો કાર્ય હેતુ થશે. પરંતુ બૌદ્ધો વડે તો પૂર્વ-અપર ચિત્તક્ષણોમાં સ્વભાવહેતુ માનવામાં આવ્યો છે અને સ્વભાવહેતુ તો તાદાભ્ય સંબંધ હોય તો જ ઘટે છે. જેમ ‘આ વૃક્ષ સીસમનું છે, વૃક્ષત્વ હોવાથી', અહીં વૃક્ષ અને સીસમનો તાદાભ્ય સંબંધ હોવાથી સ્વભાવહેતુનું અનુમાન થાય છે, પરંતુ પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો ભિન્ન ભિન્ન સમય હોવાથી, પૂર્વ-અપર ચિત્તક્ષણોનો તાદાત્મ સંબંધ નહીં હોવાથી સ્વભાવહેતુ બની શકશે નહીં. જો પૂર્વ-અપર ચિત્તક્ષણોની સત્તા એક જ સમયમાં હોય તો તેમાં પ્રતિસંધેય (કાર્ય) અને પ્રતિસંધાયક(કારણ)નો વિભાગ થઈ શકશે નહીં, કેમ કે એક જ સમયમાં ઉત્પન્ન થવાવાળી ચિત્તક્ષણોમાં કોણ નિયામક છે કે જેથી એક પ્રતિસંધેય અને બીજો પ્રતિસંધાયક થાય? એક જ સમયવર્તી ચિત્તક્ષણોમાં કારણ-કાર્યભાવ થઈ શકતો નથી, કેમ કે કારણ-કાર્યભાવ વિભિન્નકાલીન પદાર્થમાં જ થાય છે. પૂર્વ-અપર ચિત્તક્ષણો ભિન્ન ભિન્ન કાળમાં હોય તોપણ બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણભંગુર છે, તેથી પૂર્વચિત્તક્ષણનો સર્વથા નાશ થઈ જવાથી પૂર્વચિત્તરૂપ ઉપાદાનકારણ વિના ઉત્તરચિત્તક્ષણની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકશે? તેથી પૂર્વચિત્તક્ષણ ઉત્તરચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે એ કથન બરાબર નથી. આ પ્રમાણે ક્ષણિકવાદમાં સંસારના નાશરૂપ દોષ આવે છે. ક્ષણિકવાદમાં સંસારની સિદ્ધિ થતી નથી. આત્મતત્ત્વને નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે માનનાર સ્યાદ્વાદમતમાં જ સંસારની સિદ્ધિ થાય છે. ૪) મોક્ષની અસંભાવના
ક્ષણિકાત્મકવાદમાં મુક્તિ સંભવતી નથી. ફરી કર્મબંધ ન થાય અને પૂર્વે બાંધેલ કર્મનો સર્વથા ક્ષય થાય તેને મોક્ષ કહેવામાં આવે છે. કર્મથી સંપૂર્ણપણે મુક્ત થવું તેને મોક્ષ કહે છે. ક્ષણિકાત્મકવાદ અનુસાર જો જીવ ક્ષણિક હોય તો તેનો તો નાશ થઈ જાય છે, તો પછી મોક્ષ કોનો થશે? જો જીવ જ ન હોય તો મોક્ષની વાત અર્થહીન બની જાય છે. પોતાની સમાપ્તિને માનવી અને મોક્ષને પણ માનવો એ એક નવાઈભરી વાત છે. નિર્વાણમાં આત્માનું અસ્તિત્વ રહેતું ન હોય તો ગૌતમ બુદ્ધ અને તેમના જેવા કેટલા બધા લોકોનું નિર્વાણ થયાનું મનાયું છે, તેમનું આત્મિક અસ્તિત્વ રહેશે જ નહીં. જો તેમનું આત્મિક અસ્તિત્વ ન હોય તો તેમની મૂર્તિ આગળ પ્રાર્થના કરવી વગેરે ક્રિયાઓનો તથા યુદ્ધ શર|| ગચ્છામિ જેવી શરણાગતિનો કશો જ અર્થ નથી. આ રીતે આત્માને ક્ષણિક જ્ઞાનમાત્ર માનવામાં મોક્ષની અસંભાવનારૂપ ચોથો દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org