Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४७८
ભોગ તો તેનામાં છે જ.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
સુખ-દુઃખ વગેરેનો અનુભવ પુરુષને જ થાય છે. જરા-મરણકૃત દુ:ખ પુરુષ જ પામે છે. બુદ્ધિ વગેરે તો તેના ભોગને સાધી આપનારાં સાધનમાત્ર છે. આના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે સાંસારિક અવસ્થામાં, અર્થાત્ વિવેકોદય ન થાય ત્યાં સુધી પુરુષ સ્વયં સુખ-દુઃખનો અનુભવ કરે છે અને એ જ તેનો ભોગ છે. બુદ્ધિ વગેરે કરણો ભોગનાં સાધનમાત્ર છે, આધાર નહીં. સુખ-દુઃખના અનુભવરૂપ ભોગનો આધાર તો પુરુષને જ ગણવો જોઈએ, ચિત્તને નહીં. સુખ-દુઃખ બુદ્ધિનાં ધર્મો છે એ બરાબર, પરંતુ તેના તે સુખ-દુ:ખ ધર્મોને ભોગવનારો, અનુભવનારો તો પુરુષ જ છે. વાસ્તવમાં પરિણમન તો બુદ્ધિમાં જ થાય છે, પણ ભોગનું ભાન પુરુષમાં થાય છે.
પુરુષના ભોક્તૃત્વની બાબતમાં એવી શંકા થવી સ્વાભાવિક છે કે પુરુષ તો અકર્તા છે, એટલે તે ભોક્તા બની જ કેવી રીતે શકે? કર્તા એક અને ભોક્તા બીજો એ તો બને જ નહીં. ચિત્ત સુખ-દુઃખાકારે પરિણમે અને સુખ-દુ:ખનો ભોગ પુરુષ કરે એ તો વિચિત્ર કહેવાય. એમ માનતાં તો કૃતવિનાશરૂપ અને અકૃતાભ્યાગમ દોષો આવશે. આનું સમાધાન સાંખ્ય આ પ્રમાણે આપે છે - જેમ રસોઇયાએ રાંધીને તૈયાર કરેલા ભોજનનો ઉપભોગ તેનો સ્વામી કરે છે, તેમ ચિત્તની પરિણામક્રિયાથી ઉદ્ભવેલી સુખ-દુઃખાકાર વૃત્તિનો ઉપભોગ પણ તેનો સ્વામી પુરુષ કરે છે. વળી, ઉચ્ચ કક્ષાના પુરુષો પોતાના રસોઇયાએ તૈયાર કરેલા ભોજનને જ જમે છે, બીજાના રસોઇયાએ તૈયાર કરેલા ભોજનને જમતા નથી; તેવી જ રીતે પુરુષ પોતાના ચિત્તની સુખ-દુઃખાકાર વૃત્તિને જ ભોગવે છે, અન્યના ચિત્તની સુખ-દુઃખાકાર વૃત્તિને ભોગવતો નથી. વળી, પુરુષ ચિત્તનો અધિષ્ઠાતારૂપ કર્તા તો છે જ. ચિત્ત તેની પ્રેરણાથી જ પરિણમનરૂપ ક્રિયા કરે છે અને તેથી એ પરિણમનરૂપ ક્રિયાનું ફળ તે ભોગવે છે. આ પ્રમાણે કૃતપ્રણાશ અને અકૃતાભ્યાગમ દોષનો પણ નિરાસ થઈ જાય છે.
આમ, બુદ્ધિ જે કરે છે તેને પ્રતિબિંબિત કરીને પુરુષ તેને ભોગવે છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે, તેમાં સુખ-દુ:ખ આદિનું પ્રતિબિંબ પડે છે. તે સ્વચ્છ આત્મામાં સ્ફુરે છે, તેથી તેને ભોક્તા કહી શકાય. દર્પણ સમાન બુદ્ધિમાં સંક્રાંત પદાર્થોનું પ્રતિબિંબ પુરુષરૂપી દર્પણમાં પડે છે. આ જે બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે, તે જ પુરુષનો ભોગ (પુરુષનું ભોક્તત્વ) કહેવાય છે. તેથી જ પુરુષને ભોક્તા કહે છે, પણ વાસ્તવિક રીતે તો પુરુષમાં કોઈ પણ જાતનો વિકાર થતો નથી. પુરુષ તો કૂટસ્થ નિત્ય અને અવિકારી છે, તેનામાં કોઈ પરિણમન થતું નથી. પુરુષ પ્રકૃતિનો સાક્ષીમાત્ર રહે છે, તથાપિ જેમ સ્ફટિકની પાછળ અમુક રંગની વસ્તુ મૂકી હોય તો તરૂપ વર્ણવાળું સ્ફટિક દેખાય છે, તેમ પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું જોવા મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org