Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૭૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે ન કોઈને ઉત્પન્ન કરે છે. પુરુષ, ચેતન અથવા જડમાંથી કોઈનું પણ કારણ ન હોવાથી તથા પોતે કોઈનું કાર્ય ન હોવાથી તે કારણ-કાર્યરહિત છે. તેની ગણના ન પ્રકૃતિ - ન વિકૃતિ વર્ગમાં કરવામાં આવી છે. આમ, પ્રકૃતિ કોઈનો વિકાર નથી. બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્રા પ્રકૃતિ-વિકૃતિ છે. અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ ભૂત વિકૃતિ છે. પુરુષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી.'
પ્રકૃતિનાં બધાં જ કાર્યોમાં સૌથી વધુ અગત્યનું કાર્ય બુદ્ધિ છે. બુદ્ધિ પ્રકૃતિનું પ્રથમ પરિણામ છે. સાંખ્ય દર્શનની વિશેષતા એ છે કે બુદ્ધિ ચેતન પુરુષનો ગુણ નહીં પણ અચેતન પ્રકૃતિનું કાર્ય છે. તેને મહતું કે ચિત્ત પણ કહેવામાં આવે છે. તે પ્રકૃતિનું કાર્ય હોવાથી સ્વયં જડ છે, પરંતુ ચેતન પુરુષના પ્રતિબિંબના કારણે તે ચેતન જેવી જણાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય (અશક્તિ) એ બુદ્ધિનાં આઠ ગુણો છે. સત્ત્વનું પરિણામ અધિક હોય ત્યારે તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર ગુણોનો ઉદય થાય છે; જ્યારે તમસૂનું પરિણામ અધિક હોય ત્યારે તેમાં અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય એ ચાર ગુણોનો ઉદય થાય છે.
- સાંખ્યમત અનુસાર પુરુષનું લક્ષણ માત્ર ચૈતન્ય જ છે, જ્ઞાન નહીં. સાંખ્ય દર્શન જ્ઞાનને બુદ્ધિનો ધર્મ ગણે છે. ચેતન તો સર્વથા અક્રિય છે, કેમ કે તે એકાંત નિત્ય છે; એટલે ચેતનમાં બાહ્ય વિષયોનું જ્ઞાન વગેરે કરવાની ક્રિયા સંભવતી નથી. ચેતન કોઈ વિષયનું જ્ઞાન તો કરી શકે તેમ છે જ નહીં. જો નિત્ય એવો પુરુષ વિષયબોધ કર્યા કરે તો તેનો કદાપિ મોક્ષ જ ન થાય, કેમ કે વિષયબોધ કરવાનો સ્વભાવ જો પુરુષનો હોય તો, સ્વભાવ કદી નષ્ટ ન થતો હોવાથી વિષયાવચ્છેદમાં પુરુષને હેતુ માની શકાય નહીં.
પદાર્થોનું જ્ઞાન બુદ્ધિમાં થાય છે. સ્વયં ચેતનાશક્તિ પદાર્થને જાણતી નથી, પદાર્થને જાણવાનું કાર્ય બુદ્ધિનું છે. પુરુષમાં રહેલી ચિત્શક્તિ સ્વયં પદાર્થજ્ઞાન કરી શકતી નથી, કેમ કે સુખ-દુઃખ ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિમાં પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે. બુદ્ધિમાં એક બાજુ ચેતનાશક્તિનું પ્રતિબિંબ અને બીજી બાજુ બાહ્ય જગતનું પ્રતિબિંબ પડે છે. જ્યારે બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષ પોતાને બુદ્ધિથી અભિન્ન સમજીને ઉપચારથી હું સુખી છું, હું દુઃખી છું' ઇત્યાદિ જ્ઞાનનો અનુભવ કરે છે. યદ્યપિ પુરુષ સ્વયં શુદ્ધ છે, પરંતુ બુદ્ધિ સંબંધી અધ્યવસાયને ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૩
'मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org