Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૨
४८८
આપોઆપ ઘડો બની જતો નથી. પરમાણુઓ વિશ્વનું ઉપાદાન અથવા સમવાયી કારણ છે અને પરમાત્મા તેનું નિમિત્તકારણ છે. નૈયાયિકો એક ત્રીજું કારણ પણ માને છે, જેને તેઓ “અસમવાયી’ એવું નામ આપે છે. મોટાભાગે તે સંયોગરૂપ હોય છે. જેમ કે બે પરમાણુઓના સંયોગમાં ત્યણુક થયું, તેમાં પરમાણુ પોતે સમવાયી, તેને જોડનાર ઈશ્વર નિમિત્ત અને બન્ને વચ્ચે જે સંયોગ થયો તે અસમવાયીકારણ બને છે એમ તેઓ માને છે. એટલે તેમના મત અનુસાર દરેક કાર્યની રચના આરંભવાદથી થાય છે. બધું વ્યવસ્થિત જોડાતું જાય, અર્થાત્ અસમવાયી સંબંધ બનતો જાય અને કાર્ય થતું જાય; તેવી જ રીતે બધું વીખરાતું જાય, અર્થાત્ અસમવાયી સંબંધ છૂટતો જાય અને કાર્ય નષ્ટ થતું જાય. ખરેખર તો કશું જ બનતું કે નષ્ટ થતું નથી, માત્ર અસમવાયી સંબંધ થાય છે અને તેનો ભંગ થાય છે. આ પ્રક્રિયાને આરંભવાદ કહે છે. આ રીતે જગત વગેરે કાર્યની ઉત્પત્તિમાં અવાંતર પ્રલય માનનારાં નૈયાયિકો ત્રણ કારણ માને છે - (૧) સમવાયી કારણ, જેવાં કે પરમાણુ, (૨) અસમવાયી કારણ, જેવાં કે ચણકાદિ સંયોગ અને (3) નિમિત્તકારણ, જેવાં કે ઈશ્વર, અદષ્ટ અને કાળાદિ.
આમ, તેમના મત પ્રમાણે ઈશ્વર એ ફક્ત નિમિત્તકારણ છે. તે વિશ્વનું સંચાલન કરે છે. વિશ્વનું સમગ્ર તંત્ર તેને આધીન ચાલે છે. કોઈને સુખી કે દુઃખી કરવો એ સર્વ ઈશ્વરના હાથમાં છે. આ દુનિયાનો સર્જક ઈશ્વર છે અને ઈશ્વરની ઇચ્છા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતું નથી. સૃષ્ટિ આદિ કર્મ તથા દેહાદિનું કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે અને ઈશ્વરેચ્છા પ્રમાણે કર્મ થતાં હોવાથી જીવ અબંધ ઠરે છે. ઈશ્વરની મરજી હોય તો પાપ કરાવે અને ઈશ્વરની મરજી હોય તો પુણ્ય કરાવે અને ઈશ્વરની ઇચ્છા હોય તો મોક્ષ કરાવે; અર્થાત્ જે કાંઈ બને છે તે ઈશ્વરેચ્છાધીન છે. આમ, ન્યાયમતાવલંબીઓ આત્માને તો માને છે, પરંતુ તેમના મત અનુસાર ઈશ્વર જગતનો કર્તા હોવાથી, તેઓ આત્માના કર્મનું કર્તાપણું ઈશ્વરમાં આરોપે છે અને આત્માને અપરિવર્તિત માને છે.
ઈશ્વરના અસ્તિત્વ સંબંધમાં ન્યાય દર્શનમાં અનેક પ્રમાણો રજૂ કરવામાં આવેલ છે. શ્રી ઉદયનાચાર્યે તેમની ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વરના અસ્તિત્વને લગતાં પ્રમાણો આપેલાં છે. તેઓ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વ સંબંધમાં શંકા ઉઠાવવી યોગ્ય નથી, કારણ કે એવો કોઈ મનુષ્ય નથી જે કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વરની હસ્તીનો સ્વીકાર કરતો ન હોય. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં પણ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે તૈયાયિકોને મળતી કારણમૂલક દલીલોનો પ્રયોગ પોલ જેનેટ, હરમન લોઝ, જેમ્સ માર્ટીનો વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોએ કરેલો જોવા મળે છે. અહીં શ્રી ઉદયનાચાર્ય વગેરેએ રજૂ કરેલ મુખ્ય દલીલો જોઈએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org