Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૧
ગાથા-૭૨ દર્શનના મત પ્રમાણે આ અદૃષ્ટ ઈશ્વરની અધ્યક્ષતામાં ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, ફક્ત એનું સંચાલન કરે છે. આત્માની અદૃષ્ટ કે અજ્ઞાત ક્રિયાઓ ઉપર તે દેખરેખ રાખે છે. (૬) જગત નિર્દેતુક નથી. તે કોઈ વસ્તુ કે વિષય પ્રતિ નિર્દેશ કરે છે અને જે શબ્દો દ્વારા તે નિર્દેશ થાય તે શબ્દોમાં રહેલી જે અર્થશક્તિ છે તે પણ ઈશ્વર દ્વારા જ આવે છે. ઈશ્વર શબ્દનો અર્થ આપે છે. દા.ત. કપડું વણવું વગેરે કલાઓ ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલી આવે છે અને તેનો સર્વપ્રથમ આવિષ્કાર પણ ઈશ્વર દ્વારા જ થયો છે. ઈશ્વરને કાલકૃત કોઈ સીમા નથી, કારણ કે તે સર્વજ્ઞ અને કલ્યાણકારી છે. (૭) વેદને પ્રમાણગ્રંથ તરીકે સ્વીકારવામાં આવે છે. શ્રુતિનું પ્રમાણ છે કે ઈશ્વર હસ્તી ધરાવે છે. વેદવાક્યો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
નૈયાયિકોનો ઈશ્વરવાદ આવો પ્રબળ છે. ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ માટે તૈયાયિકો સહુથી વધુ ઝઝૂમ્યા છે. ન્યાય પરંપરામાં ઈશ્વરની સ્વતંત્ર વ્યક્તિ તરીકે અને તે પણ કર્તાનિયંતા તરીકે અતિશય સમર્થ સ્થાપના થઈ છે અને તે વિષે ચિંતનયુક્ત તેમજ તર્કપૂર્ણ ઘણા ગ્રંથો લખાયા છે. અન્ય દાર્શનિકોએ પણ એ મુદ્દા પરત્વે પોતાના અનુકૂળ-પ્રતિકૂળ વિચારોથી સમૃદ્ધ એવું પુષ્કળ સાહિત્ય રચ્યું છે. ન્યાય દાર્શનિક શ્રી ઉદયનાચાર્યે તો ‘ન્યાયકુસુમાંજલિ'ની રચના માત્ર ઈશ્વરની સ્થાપના માટે જ કરી છે અને એમાં તેમણે પોતાની રીતે તમામ અનુ-ઈશ્વરવાદીઓને નિરુત્તર કરી, છેવટે ઈશ્વરને કર્તાનિયંતા તરીકે સ્થાપેલ છે.
શ્રી ગૌતમ મુનિના ન્યાયસૂત્રોમાં ઈશ્વરના અસ્તિત્વ અંગે માત્ર આછો ખ્યાલ મળે છે, પરંતુ ખાસ કરીને ઉત્તરકાલીન નૈયાયિકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિશદ ચર્ચા કરેલી છે. ન્યાયના સૂત્રકાર શ્રી અક્ષપાદે ઈશ્વરની ચર્ચા સંક્ષેપમાં કરી છે, પણ એના ભાષ્યકાર શ્રી વાત્સ્યાયને એ ચર્ચા વધારે વિશદ કરી છે. ભાષ્યના વ્યાખ્યાકારોમાં શ્રી ઉદ્યોતકર અને શ્રી વાચસ્પતિ મિશ્રનું સ્થાન બહુ અસાધારણ છે. એ બન્નેએ તો ઈશ્વરના સ્વતંત્ર વ્યક્તિત્વની અને તેના કર્તુત્વની એવી પ્રબળ સ્થાપના કરી છે કે જાણે તે સર્વસાધારણ લોકોમાં પ્રચલિત અને રૂઢ એવા ઈશ્વરકતૃત્વવાદને લગતી યુક્તિઓનું દાર્શનિક અને તાર્કિક પરિષ્કૃત રૂપ જ ન હોય!
સાંખ્યયોગ પરંપરામાં નિરીશ્વર સાંખ્યમત ચોવીસ પ્રાકૃતિક તત્ત્વ તથા એક પુરુષ મળી કુલ પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે તથા સેશ્વર સાંખ્ય (યોગ પરંપરા) સાંખ્યના પચ્ચીસ તત્ત્વો ઉપરાંત પુરુષવિશેષ ઈશ્વર એમ છવ્વીસ તત્ત્વોનો સ્વીકાર કરે છે. યોગ પરંપરામાં જેમ સ્વતંત્ર પુરુષબહુત્વનું સ્થાન છે, તેમ સ્વતંત્ર પુરુષવિશેષ ઈશ્વરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org