Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૨
૪૮૧ સાંખ્યમતમાં પુરુષને સંસાર પણ નથી અને મોક્ષ પણ નથી. તે સર્વ પ્રકૃતિને જ છે અને એનો પુરુષ સાથે સંબંધ ગણવામાં આવે છે તે માત્ર ઉપચારથી છે. પુરુષ તો કૂટસ્થ નિત્ય અને અપરિણામી છે.
તાત્પર્ય એ છે કે બધો ખેલ પ્રકૃતિનો છે. પ્રકૃતિ નર્તકી સમાન છે, જે રંગસ્થળમાં ઉપસ્થિત દર્શકોની સામે પોતાની કલા દેખાડીને નૃત્યમાંથી નિવૃત્ત થાય છે. પ્રકૃતિ પણ પુરુષને પોતાનો વ્યાપાર દેખાડીને નિવૃત્ત થાય છે. વાસ્તવમાં પ્રકૃતિથી સુકુમાર અન્ય કોઈ બીજું નથી. પ્રકૃતિ એટલી લજ્જાશીલ છે કે એક વાર જો પુરુષ તેને જોઈ લે તો તે પુનઃ પુરુષની સામે આવતી નથી, અર્થાત્ પુરુષ સાથે ફરી સંસર્ગ કરતી નથી. પ્રકૃતિને જોઈ લેવાથી પુરુષ તેની ઉપેક્ષા કરવા લાગે છે તથા પુરુષ દ્વારા જોવાઈ જવાથી પ્રકૃતિ વ્યાપારથી વિરક્ત થઈ જાય છે.
આમ, સાંખ્યો પુરુષને શુભાશુભ કર્મનો કર્તા નથી માનતા, ભોક્તા પણ નથી માનતા. તેમના મત અનુસાર તો વસ્તુતઃ પુરુષ નથી કોઈનો પણ કર્તા કે નથી કોઈનો પણ ભોક્તા. એ તો છે કૂટસ્થ નિત્ય અને રાગાદિથી અલિપ્ત. પુરુષ જળમાં કમળપત્રની જેમ નિર્લિપ્ત છે, સાક્ષી છે; છતાં તેવા પુરુષને એવી મિથ્યા બુદ્ધિ થાય છે કે હું સુખી છું', હું દુઃખી છું' ઇત્યાદિ. આમાં તેનું બુદ્ધિ સાથેના અભેદનું ભાંત જ્ઞાન જ કારણ બને છે. તાત્પર્ય એ છે કે વસ્તુતઃ પુરુષ કમલપત્રવત્ નિર્લેપ છે, અકર્તા અને અભોક્તા છે, પરંતુ બુદ્ધિ સાથેના અભેદના અધ્યાસથી તે પોતાને જ કર્તા વગેરે માનવાની મૂઢતા કરે છે.
સાંખ્ય દર્શનની જેમ વેદાંત દર્શન પણ આત્માને અબંધ માને છે અને તે એમ કહે છે કે બ્રહ્મમાં બંધનો અભાવ છે. બ્રહ્મ વિશુદ્ધ, અસંગ, સ, ચિત્ અને આનંદસ્વરૂપ છે. બંધ અને મોક્ષ કાલ્પનિક છે. જેમ અરીસાવાળા ઘરમાં જઈ ચડેલો કૂતરો પોતાના પ્રતિબિંબને બીજો કૂતરો માનીને ભસે છે, તેમ જીવને બહ્મજ્ઞાનની ગેરહાજરીમાં જે ભેદ પ્રતિભાસે છે તે જૂઠા જ્ઞાનરૂપ છે. તે જૂઠા જ્ઞાનથી જૂઠું જ બંધન થાય છે, અર્થાતુ જેમ કાચગત શ્વાન વાસ્તવિક નથી, તેમ બ્રહ્મજ્ઞાનના અભાવે ભાસતું બંધન વાસ્તવિક હોતું નથી. અજ્ઞાનરૂપ આ બંધનનો કર્તા ચેતન નથી, કેમ કે બંધન પોતે જ મૂળમાં અવાસ્તવિક છે. માત્ર વ્યવહારમાં - લોકની જાણકારીમાં જીવ તેનો કર્તા ભાસે છે; પરંતુ વાસ્તવમાં તે બંધનનો કોઈ કર્તા હોતો નથી કે જેના વડે જીવ બંધાયેલો જણાય છે. ૧- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૫૯
'रङ्गस्य दर्शयित्वा निवर्तत नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org