Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દડાની અભિલાષા ધરાવનાર દડાની ઉત્પત્તિ જોઈને હર્ષ પામે છે, પણ સોનાનું કાયમીપણું વિચારનારને ન તો ખેદ થાય છે કે ન તો હર્ષ થાય છે. તેને તો જે છે તે કાયમ જ છે એમ વિચારી સમાન સ્થિતિ રહે છે. આ પ્રમાણે ઘટ, દડા અને સુવર્ણના અર્થને અનુક્રમે ઘટના નાશથી શોક, દડાની ઉત્પત્તિથી હર્ષ અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ હોવાથી માધ્યસ્થ્ય ભાવ રહે છે. આ લોકવ્યવહાર પ્રત્યક્ષસિદ્ધ તથા અનુભવસિદ્ધ છે અને તેથી સાબિત થાય છે કે સુવર્ણ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્યયુક્ત છે. શોક, પ્રમોદ અને માધ્યસ્થ્ય એમ ત્રણ વિભિન્ન કાર્યો પદાર્થનાં આ ત્રણ લક્ષણોને સિદ્ધ કરે છે. સોનાનો ઘડો ભંગાવીને દડો બનાવડાવ્યો, તેમાં સોનાના ઘડાનો વ્યય થયો, સોનાના દડાનો ઉત્પાદ થયો અને સોનારૂપે સોનું ધ્રુવ રહ્યું .
અહીં સુવર્ણ એ દ્રવ્ય છે. તેની સ્થિતિ કાયમ છે. ઘડારૂપે સુવર્ણનો વિનાશ એ પણ સુવર્ણમાં છે અને દડારૂપે સુવર્ણની ઉત્પત્તિ એ પણ સુવર્ણમાં છે. આમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સુવર્ણમાં ઘટે છે. સુવર્ણથી કોઈ જુદું દ્રવ્ય ઉત્પાદ અને વ્યયને કરનારું નથી અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ છે માટે તે ધ્રુવ છે. સુવર્ણરૂપ મૂળ દ્રવ્ય નિત્ય છે, તે પોતાના સ્વરૂપથી પલટાતું નથી. એક પર્યાય ઉત્પન્ન થાય છે અને બીજી નષ્ટ થાય છે, પણ દ્રવ્ય ધ્રુવ રહે છે.
આમ, જગતના સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને ધ્રુવ સ્વભાવવાળા છે. સર્વ પદાર્થોમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યની વ્યવસ્થા છે. જડ પદાર્થ હોય કે ચેતન પદાર્થ, પદાર્થમાત્ર ત્રયાત્મક સ્વભાવવાળો છે. ત્રણે લક્ષણો પ્રત્યેક પદાર્થમાં એકસાથે વર્તે છે. પદાર્થ ઉત્પન્ન પણ થાય છે, નષ્ટ પણ થાય છે અને સ્થિર પણ રહે છે. કોઈ પણ પદાર્થ એવો નથી કે જે મૂળ દ્રવ્યરૂપે નિત્ય ન હોય અને પર્યાયની અપેક્ષાએ ઉત્પાદવિનાશસ્વભાવી ન હોય. સર્વ પદાર્થો ઉત્પાદ-વ્યયશીલ (અનિત્ય) અને ધ્રુવ (નિત્ય) છે.
આમ, કોઈ પણ પદાર્થનો કોઈ કાળે સર્વથા નાશ થાય નહીં કે કોઈ પણ પદાર્થની કોઈ કાળે સર્વથા ઉત્પત્તિ થાય નહીં, પરંતુ તે પદાર્થનું માત્ર અવસ્થાંતર થાય અને તે અવસ્થાનાં ઉત્પત્તિ-નાશ થાય એવો સિદ્ધાંત છે. જગતમાં અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વસ્તુને લાગુ પડતો આ એક સર્વસામાન્ય નિયમ છે. આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ આ વાત આવતી હોવાથી વિજ્ઞાનવિદ્યાના અભ્યાસીઓ આ સિદ્ધાંત બહુ સરળતાથી સમજી શકશે. મૂળભૂત તત્ત્વો તરીકે વિજ્ઞાન જેને ઓળખે છે તેને તે કાયમ ટકનારાં માને છે. વસ્તુ ટકીને પોતાના સ્વરૂપને બદલે છે, પરંતુ કોઈ પણ વસ્તુની સર્વથા ઉત્પત્તિ કે નાશ થતાં નથી એમ તેઓ માને છે.
હાલના વિજ્ઞાને પુરવાર કર્યું છે કે No substance is destroyed, every substance changes its forms; અર્થાત્ કોઈ વસ્તુ નાશ પામતી નથી, દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org