Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જડરૂપીપણું પામી જતું હોય તો તેની તપાસ કર.'
| ’૧
જેમ માટીમાંથી ઘડો થાય છે અને ઘડો ફૂટતાં પુનઃ તે માટીનાં પરમાણુમાં ભળી જાય છે, તેમ આત્મા અવસ્થાંતરરૂપ નાશ પામ્યા પછી શેમાં ભળે છે તે વિચારવા યોગ્ય છે. વિચારતાં સમજાય છે કે ઘડાનાં પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યાં, તેમ આત્મા કોઈ વસ્તુમાં નહીં ભળવા યોગ્ય, બીજા સ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય છે. અવસ્થાંતર પામવા છતાં આત્મા ક્યારે પણ નિજ જાતિનો ત્યાગ કરતો નથી.
વિચાર કરતાં એમ સ્પષ્ટ નિર્ધાર થાય છે કે ઘડો ફૂટી જઈ ક્રમે કરી પરમાણુરૂપ રહે છે, કારણ કે ઘડો એ કંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ અનંત પુદ્ગલપરમાણુઓના સંયોગથી બનેલો એક પદાર્થ છે; જ્યારે આત્મા તો અસંયોગી, સ્વતંત્ર, ચૈતન્યમય પદાર્થ છે, તેથી તે ક્યારે પણ નાશ પામીને કોઈ પદાર્થમાં ભળતો નથી. તે ક્યારે પણ પરસ્વરૂપે અવસ્થાંતર પામતો નથી. જેમ ઘડાનું અંતિમ પરિણામ પરમાણુ છે, અર્થાત્ ઘડાનો અવસ્થાંતરરૂપ નાશ થતાં તે પરમાણુરૂપ સ્થિતિમાં રહે છે; તેમ ચેતનના અંતિમ પરિણામની વિચારણા કરતાં જણાય છે કે આત્મા એક અસંયોગી પદાર્થ હોવાથી તેનું કોઈ અંતિમ પરિણામ છે જ નહીં. બીજા આત્મામાં કે જડ તત્ત્વમાં ભળી જઈ તે નાશ પામતો નથી. અનંત કાળથી ચોર્યાસી લાખ યોનિઓમાં તેનું અવસ્થાંતર થવા છતાં તે નિત્ય રહે છે. સંસારી આત્માને નર-નારકાદિ પર્યાય હોય છે, પરંતુ ચાર ગતિનાં શરીર ધારણ કરવા છતાં, રૂપાંતર પામવા છતાં તે સદા આત્મારૂપ જ રહે છે. વસ્તુરૂપે આત્માનો નાશ ક્યારે પણ થતો નથી.
સંસારમાં પદાર્થોના ઉત્પાદ અને વિનાશ થતાં જોવામાં આવે છે, પરંતુ તે માત્ર અવસ્થાંતર છે. આ દૃષ્ટિએ આત્મા પણ જુદા જુદા દેહ ધારણ કરી જુદા જુદા ભવ કરે છે, તેથી તેને આ દૃષ્ટિએ અનિત્ય કહેવામાં વિરોધ નથી; પરંતુ આત્મા સર્વથા અનિત્ય નથી. જીવનું શરીર પલટાતું રહે છે, પણ જીવ પોતે એ ને એ જ રહે છે. તે તો સદા શાશ્વત છે. આત્મા ત્રિકાળી નિત્ય છે. તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ન્યૂનાધિક થતો નથી. આત્મા અસંખ્યાત પ્રદેશોનો એક અખંડ પિંડ છે.
આત્માને માત્ર પર્યાયથી અનિત્ય ન માનતાં એકાંતે અનિત્ય માનવામાં આવે તો તે પક્ષમાં ઘણા દૂષણો આવે છે. આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં સુખદુ:ખનો ભોગ, બંધ-મોક્ષ, સ્મરણ આદિ કાંઈ પણ ઘટી શકતું નથી.
જો આત્માનાં ક્ષણે ક્ષણે ઉત્પત્તિ-નાશ થતાં હોય તો પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરેનાં ફળ ભોગવનાર જગતમાં કોઈ રહે નહીં; પણ આ વાત પ્રમાણથી વિરુદ્ધ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org