Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૯
૪૨૯
૫) સ્મરણની અસંભાવના
આત્માને ક્ષણિક જ માનનારને સ્મરણ પણ સંભવે નહીં. જો આત્માને નિત્ય વસ્તુ ન સ્વીકારીએ તો સૃતિ અસંભવિત બની જાય છે. સ્મરણ તો એનું થઈ શકે કે જે વસ્તુનો પ્રથમ કદી અનુભવ થયો હોય. ક્ષણિકમતમાં તો અનુભવ કરનારો ક્ષણમાં જ નાશ પામતો હોવાથી સ્મરણ કોણ કરે? આત્મા જો ક્ષણિક હોય તો પછી તેના અનુભવની તેને સ્મૃતિ ન થાય, કારણ કે એ ક્ષણિક હોવાથી ક્ષણભરમાં નાશ પામે છે. તે એક જ ક્ષણમાં લોપ પામતો હોવાથી આગળના અનુભવનું સ્મરણ તેને થઈ શકે નહીં. આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સ્મરણની સિદ્ધિ થતી નથી. એકાંત ક્ષણિક પક્ષમાં કદી પણ સ્મરણ ઉત્પન્ન થઈ શકતું નથી. ક્ષણિકવાદમાં સ્મરણની અસંભાવનારૂપ પાંચમો દોષ આવે છે.
બૌદ્ધમતમાં સ્મરણનો અભાવ થાય છે, કેમ કે જેવી રીતે એક જીવ બીજા જીવથી સર્વથા ભિન્ન હોવાથી એક જીવે કરેલ પદાર્થના અનુભવનું સ્મરણ બીજા જીવને થઈ શકતું નથી, તેવી રીતે બૌદ્ધમત અનુસાર જો પૂર્વબુદ્ધિથી ઉત્તરબુદ્ધિ બિલકુલ ભિન્ન હોય તો પૂર્વબુદ્ધિથી અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિમાં સ્મરણ થઈ શકતું નથી. જેમ દેવદત્તે અનુભવેલા પદાર્થનું યજ્ઞદત્તને સ્મરણ થઈ શકતું નથી, તેમ એક બુદ્ધિથી બીજી બુદ્ધિ અત્યંત ભિન્ન હોવાથી પૂર્વબુદ્ધિથી અનુભૂત પદાર્થનું ઉત્તરબુદ્ધિમાં સ્મરણ થઈ શકતું નથી.
એક મનુષ્ય અનુભવેલ પદાર્થનું બીજા મનુષ્યને સ્મરણ થતું નથી. જો એ રીતે સ્મરણ થતું હોય તો એક મનુષ્ય જાણેલા પદાર્થનું સર્વ મનુષ્યોને સ્મરણ થવું જોઈએ. જો એકના અનુભવનું સ્મરણ અન્યને થતું હોય તો એકના અનુભવનું સ્મરણ સકળ વિશ્વને થવું જોઈએ. પરંતુ એમ તો કદી પણ બનતું નથી. એક વ્યક્તિના અનુભવનો વિષય બીજાની સ્મૃતિનો વિષય બનતો હોય એવું જોવા મળતું નથી. જેણે અનુભવ્યું હોય તેને જ સ્મરણ થાય છે. આત્માને ક્ષણિક માનતા અનુભવનાર અને સ્મરણ કરનાર બન્ને જુદા છે એ નિર્વિવાદ માનવું પડશે અને એમ માનતાં અનુભવ કોઈને થાય અને સ્મરણ કોઈ બીજાને થાય, પણ એ કઈ રીતે શક્ય છે? સાવ જુદા પડી જતા વિજ્ઞાનસમૂહમાં એકના અનુભવની સ્મૃતિ બીજાને કઈ રીતે થઈ શકે? આમ, બૌદ્ધોનો ક્ષણિકવાદ સ્વીકાર્ય થતો નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે આબાલગોપાલ સર્વને અનુભવેલી વસ્તુનું કાળાંતરે સ્મરણ થાય છે. હવે જો વસ્તુને ક્ષણિક માનવામાં આવે તો સ્મરણ કદી ઘટી શકશે નહીં, કારણ કે જેણે અનુભવ કર્યો હોય તેને જ સ્મરણ થાય, અન્યને નહીં અને ક્ષણિકવાદમાં તો સ્મરણ વખતે અનુભવ કરનારી વ્યક્તિ જ નથી, તો પછી વાસ્તવિક સ્મરણ કોને થાય? અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org