Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૫
૩૪૫
અભૌતિક નિત્ય પદાર્થ છે એમ સિદ્ધ થાય છે.
આમ, જડ ભૂતોમાંથી ચેતનની ઉત્પત્તિ ત્રણે કાળમાં સંભવિત નથી. જેવી રીતે ધાવડીનાં ફૂલ, ગોળ આદિ પદાર્થોના મિશ્રણમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે જડ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવો ચાર્વાકનો સિદ્ધાંત અસિદ્ધ થઈ જાય છે. ધાવડીનાં ફૂલ, ગોળ આદિ પદાર્થોમાંથી જે મદશક્તિ ઉત્પન્ન થાય છે, તે જો ચેતન હોત તો ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવો પક્ષ સિદ્ધ કરવામાં તે સમુચિત ઉદાહરણ માની શકાત; પરંતુ મદશક્તિ તો અચેતન છે, તેથી ભૂતસમુદાયરૂપ જડ પદાર્થમાંથી ચૈતન્યસ્વરૂપી એવા આત્માની ઉત્પત્તિ માટે ધાવડીનાં ફલ, ગોળ આદિ પદાર્થોના મિશ્રણથી ઉત્પન્ન થતી મદશક્તિનું દૃષ્ટાંત આપવું યથાર્થ નથી.
ધાવડીનાં ફૂલ, ગોળ વગેરેમાંથી જે પરિણમે છે તે વસ્તુતઃ જડ જ છે. યકૃતમાંથી જે રસ નીકળે છે તે પણ જડ છે. જડમાંથી જડ જ ઉત્પન્ન થાય. જડમાંથી તેના જેવો જ જડ પદાર્થ નીપજે. જડમાંથી જડ કરતાં સાવ જુદી વસ્તુની ઉત્પત્તિ કઈ રીતે સંભવે? જડમાંથી જડ જ ઉત્પન થઈ શકે, ચૈતન્ય નહીં. ચૈતન્ય એ જડનું પરિણામ હોઈ શકે નહીં. ચેતનાશક્તિ કોઈ મિશ્રણમાંથી બની શકતી નથી, તેથી ચૈતન્યસ્વરૂપી આત્મા એ અસંયોગી, સ્વાભાવિક, સ્વતંત્ર પદાર્થ છે.
જો ચાર ભૂતથી આત્મા બનતો હોય તો તે ભૂતના ગુણો આત્મામાં આવવા જોઈએ, કેમ કે ઉપાદાનના ગુણો કાર્યમાં આવે છે. જળરૂપ ભૂતમાં શીતળતા છે તો આત્મામાં પણ શીતળતા દેખાવી જોઈએ, અગ્નિરૂપ ભૂતમાં ઉષ્ણતા છે તો આત્મામાં પણ તે દેખાવી જોઈએ, વાયુની સ્પર્શના આત્મામાં થવી જોઈએ, પૃથ્વીની કઠણતા પણ આત્મામાં દેખાવી જોઈએ; પણ તે સર્વ આત્મામાં દેખાતાં નથી. આમાંનું એક પણ સ્વરૂપ આત્મામાં અનુભવાતું નથી, માટે આત્મા ભૂતોમાંથી બનેલો નથી એમ સિદ્ધ થાય છે.
વર્ણાદિ ભૂતોના ગુણ છે, તેથી તે ભૂતોથી બનેલા શરીરાદિમાં તે ગુણો જોવા મળે છે. જો આત્મા ભૂતોમાંથી બનેલો હોય તો તેમાં પણ વર્ણાદિ ગુણો જોવા મળવા જોઈએ, પરંતુ આત્મામાં વર્ણાદિ ગુણ કોઈને પણ જોવા મળતા નથી. ભૂતો જો આત્માના ઉપાદાનકારણરૂપ હોય તો આમ કેમ બને? આત્મા ભૂતસમૂહજન્ય હોય તો આત્મા વર્ણાદિરહિત કઈ રીતે સંભવે? માટે આત્મા પૃથ્વી આદિ ભૂતોથી બનેલો નથી, પણ તેનાથી ભિન્ન પદાર્થ છે. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી સિદ્ધાંતસારસંગ્રહ'માં લખે છે કે જીવોને પ્રાપ્ત થયેલ શરીર પૃથ્વી, જળ આદિ ભૂતોથી બનેલું છે, પરંતુ આત્મા આ ભૂતોથી બનેલો નથી, કારણ કે ભૂતો અચેતન હોવાથી તે ચૈતન્યની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ થઈ શકતાં નથી. અચેતનનું કાર્ય અચેતન હોય અને ચેતનનું કાર્ય ચેતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org