Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પરંતુ ઉત્પત્તિ-નાશરૂપ પ્રત્યેક આકૃતિરૂપ પર્યાયમાં સોનાનું વત્વ પ્રત્યક્ષ જણાય છે. જે વખતે સોનાને ઘડીને બંગડીરૂપ આકાર આપવામાં આવે છે, તે વખતે સોનાની મુગટરૂપ આગલી પર્યાયનો વિનાશ થઈને બંગડીરૂપ નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે, પરંતુ સોનું બન્ને અવસ્થામાં સોનું જ રહે છે. ગમે તેટલી પર્યાયો ઉત્પન્ન થાય કે નષ્ટ થાય, પરંતુ તેના કારણે મૂળભૂત દ્રવ્યને કોઈ આંચ આવતી નથી. સુવર્ણરૂપ મૂળ દ્રવ્યની કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ કે વિનાશ થતાં નથી. કેવળ આકારાંતર થાય છે. મૂળભૂત દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે અને તેની પર્યાયો બદલાતી રહે છે. સોનું એ મૂળ દ્રવ્યરૂપે ધ્રુવ છે અને આભૂષણોરૂપ પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થતાં રહે છે, તેથી તેનામાં ઉત્પાદાદિ ત્રણે ઘટે છે.
-
આ પ્રમાણે સોનાના મુગટમાંથી બંગડી બનાવી, પછી બંગડીમાંથી હાર બનાવ્યો, તોપણ તેમાં વપરાયેલું સોનું નાશ થતું નથી, પણ તેના ઘાટનો નાશ થાય છે. સોનું નાશવંત નથી, પણ તેનો ઘાટ નાશવંત છે. ઘાટરૂપી પર્યાયો બદલાય છે, પણ તે વખતે મૂળદ્રવ્યરૂપી સોનું કાયમ રહે છે. તેવી જ રીતે પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના નવીન પર્યાયોની પ્રાપ્તિરૂપ ઉત્પાદ, પૂર્વપર્યાયના ત્યાગરૂપ વ્યય અને અનાદિ પરમ પારિણામિક સ્વભાવરૂપે સ્થિર રહેવારૂપ ધ્રૌવ્યતા; એમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત દરેક વસ્તુ હોય છે.
આ માટે એક બીજું ઉદાહરણ પણ મનનીય છે. દૂધમાં મેળવણ નાખવાથી તે દહીં બને છે. તેમાં દૂધનો નાશ અને દહીંની ઉત્પત્તિ એ બન્ને એકકાળે છે. જે વસ્તુ વર્તમાનમાં દહીંસ્વરૂપે છે તે પૂર્વે દૂધરૂપે હતી, દૂધ અને દહીં એ બન્ને ગોરસરૂપે કાયમ છે. દૂધ જ લેવું એવા નિયમવાળો દહીં ખાતો નથી, એ જ પ્રમાણે દહીં જ ખાવું એવા નિયમવાળો દૂધ લેતો નથી, ગોરસ ન ખાવું એવા નિયમવાળો દૂધ અને દહીં એ બન્ને ખાતો નથી. દૂધ અને દહીં એ બન્ને અવસ્થામાં ગોરસરૂપ દ્રવ્ય કાયમ રહે છે, તેથી ગોરસ ન ખાવાના નિયમવાળો એ બન્ને વસ્તુ ખાતો નથી. દૂધ જ લેવું એવા નિયમવાળો દહીં ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે દહીં એ દૂધ નથી. દહીંમાં દૂધનો નાશ છે. દહીં જ ખાવું એવા નિયમવાળો દૂધ ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે દૂધ દહીંમાં પરિવર્તન પામ્યું નથી. ગોરસ ન ખાવું એવા નિયમવાળો દૂધ કે દહીં એ બન્નેમાંથી ગમે તે ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે એ બન્ને ગોરસ છે. દહીંમાં દૂધનો નાશ, દહીંની ઉત્પત્તિ અને ગોરસની સ્થિતિ છે; અર્થાત્ તે ત્રિલક્ષણ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે.
આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ પદાર્થ ત્રિવિધસ્વરૂપી હોય છે. જગતના તમામ પદાર્થોમાં ત્રિપદી ઘટે છે. સર્વ પદાર્થને વિષે અવસ્થાઓનો ઉત્પાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org