Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૦૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પહેલાંનું સ્મરણ બને એકસાથે થવાથી આ તે જ છે અથવા તેના જેવો છે આદિ જ્ઞાન થાય છે. આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. કથંચિત્ નિત્યતાનો સ્વીકાર કર્યા વિના આવું જ્ઞાન થઈ શકતું નથી.
જન્મથી મરણ પર્યત અનેક અવસ્થાઓ બદલાવા છતાં પણ તે જ આ વ્યક્તિ છે' તેવા પ્રત્યભિજ્ઞાન વડે, એક જ વ્યક્તિમાં બાળ, યુવાન અને વૃદ્ધ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં, તે ત્રણમાં એક જ વ્યક્તિનો ઉપચાર થાય છે; તે બતાવે છે કે આત્માની ભિન્ન ભિન્ન પર્યાયોનું પરિવર્તન થવા છતાં પણ એક જ દ્રવ્યરૂપે આત્મા સ્થિત છે. આત્મામાં ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાયોનું પરિવર્તન થવા છતાં પણ આત્મામાં સર્વથા ભિન્નપણું થતું નથી. આકૃતિ અને જાતિની અપેક્ષાએ આત્મામાં અનુક્રમે અનિત્યપણું અને નિત્યપણું હોય છે.
આત્મા ‘ટકીને બદલાતા' સ્વભાવવાળો સિદ્ધ થતાં બૌદ્ધ પ્રતીત્યસમુત્પાદવાદનો વિઘાત થાય છે. કારણની અપેક્ષાથી કાર્ય ઉત્પન્ન થાય છે, કારણનો કોઈ પણ પ્રકારે કાર્યમાં અન્વય નથી - આ પ્રકારનો પ્રતીત્યસમુત્પાદવાદ છે. પરંતુ આ વાદ માનવામાં આવે તો સ્મરણાદિ સમસ્ત વ્યવહારોનો ઉચ્છેદ માનવો પડે, કારણ કે અતીત સંકેતાદિ કોઈ વસ્તુના આશ્રયે હોય તો જ તે સ્મરણાદિ જ્ઞાનરૂપે પરિણમે; અર્થાત્ ઉત્તરકાળમાં પણ તેનો જો અન્વય રહે તો જ સ્મરણાદિ વ્યવહાર ઘટી શકે, અન્યથા નહીં. આવી અન્વયી વસ્તુ તે જ આત્મા છે. આત્માને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત માનવાથી જ સમસ્ત સ્મરણાદિ વ્યવહારની સિદ્ધિ થઈ શકે છે. જો આત્મા ક્ષણિક હોય તો તેને વર્તમાન પર્યાય સિવાય બીજું કશું જ જ્ઞાન હોય નહીં, અતીતની અવસ્થાને જાણનારો જ જો નષ્ટ થઈ ગયો હોય તો જાણશે કોણ? માટે આત્મા ક્ષણિક નથી, પણ નિત્ય છે એમ સિદ્ધ થાય છે.
આમ, આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયરૂપે પલટાતો હોવાથી અનિત્ય છે. આત્મા વસ્તપણે કાયમ ટકે છે અને તેની અવસ્થાઓ નિરંતર બદલાય છે. આત્માની અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં આત્માનો સ્વભાવ કાયમ રહે છે. બાલ્યાવસ્થા આદિ અવસ્થાઓ પરિવર્તન પામવા છતાં તે અવસ્થાઓમાં આત્મા એનો એ જ રહે છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓનું જાણપણું તે ને તે જ જીવને થાય છે. એ બધી અવસ્થાઓનું જ્ઞાન એક જ આત્માને થાય છે. બાળાદિ અવસ્થાઓ નષ્ટ થઈ ગઈ હોવા છતાં જીવ તેનું સ્મરણ કરી શકે છે. એ જ સિદ્ધ કરે છે કે અવસ્થાઓ બદલાય છતાં આત્મદ્રવ્ય ધ્રુવ છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ ક્ષણિક નથી પરંતુ નિત્ય છે.
- આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org