Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૯
૪૧૯ છે. તે આવી રીતે - નવી પર્યાયની ઊપજવાની ક્રિયા, જૂની પર્યાયના વિનાશની ક્રિયા અને નવા નવા ઉત્પાદમાં અને જૂની જૂની પર્યાયના નાશમાં સર્વદા અનુયાયીરૂપે અનુસરવારૂપ ધૃવત્વની ક્રિયા. આ ત્રણે ક્રિયા કરનાર આત્મા છે. આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ કાળમાં અનેક અવસ્થાને પામનાર તથા તે બધી અવસ્થામાં સર્વદા અનુગમન કરનારો, ધ્રુવ સ્વભાવને ધારણ કરનારો છે.
સ્યાદ્વાદના આશ્રયથી એમ કહી શકાય છે કે અનેક કાર્યો કરવાનો આત્માનો સ્વભાવ છે અને તેથી નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ(કાર્યજનકત્વ)નો વિરોધ રહેતો નથી. સ્યાદ્વાદના સ્થાપન વડે વિવિધ પ્રકારનાં કાર્યોની એકતા કરવાનો સ્વભાવ માનવાથી નિત્ય આત્માને વિષે અર્થક્રિયાનો વિરોધ નથી. દરેક વસ્તુનું કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું છે એવા સ્યાદ્વાદને અંગીકાર કરવાથી અનેક ક્ષણમાં રહેલાં સ્થિતિ આદિ કાર્યોની એક કર્તાના કારણરૂપ એકતાનો સ્વીકાર થઈ શકે છે, એટલે કે એકમાં અનેક કાર્ય કરવાનો સ્વભાવ હોવાથી વસ્તુમાં રહેલી સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ અર્થક્રિયા વિરોધ પામતી નથી. તેથી નિત્યાત્મવાદમાં અર્થક્રિયા ઘટી શકે જ નહીં' એ બૌદ્ધોની વાત બરાબર નથી.
વસ્તુનું અનેક સ્વભાવપણું અંગીકાર કર્યા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, તેથી વસ્તુમાં નિત્યપણું, અનિત્યપણું વગેરે અનેક સ્વભાવનો સ્વીકાર કરવો જોઈએ. શરીરથી ભિન્ન એવો નિત્યાનિત્ય જ્ઞાનસ્વરૂપી આત્મા માનવો જોઈએ. આત્મામાં નિત્ય અને અનિત્ય બને ધર્મો રહેલા છે. આત્માની પર્યાયો અનિત્ય છે અને દ્રવ્ય નિત્ય છે. આત્મામાં પ્રતિક્ષણે નવી નવી પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને અતીત, વર્તમાન તથા અનાગત પર્યાયોની પરંપરાનું અનુસંધાન કરનાર દ્રવ્ય નિત્ય છે. આ સત્યને સ્વીકારવા એકાંત માન્યતાને તજી સ્યાદ્વાદનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે. આત્માનો યથાર્થ નિર્ણય કરવા માટે અનેકાંતવાદનો આશ્રય કર્તવ્યરૂપ છે. આત્મા કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાએ અશાશ્વત છે, તેથી સ્યાદ્વાદ વિના તેનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. અનેકાંતવાદનો આશ્રય ન લેનાર એકાંતવાદી જીવ નિત્યાનિત્ય આત્માના કેવળ એક અંશને જ પૂર્ણવતુરૂપે સ્વીકારી મિથ્યા અભિપ્રાયમાં રાચે છે.
આત્મા નિત્યાનિત્યરૂપ હોવા છતાં એને જો સર્વથા અનિત્ય (ક્ષણિક) માનવામાં આવે તો અનેક દોષો ઉપસ્થિત થાય છે. પર્યાયથી તો આત્મા ક્ષણિક છે જ, પણ તે વાતને એકાંતે પકડીને દ્રવ્યની નિત્યતાનો અસ્વીકાર કરવામાં આવે તો ઘણા દોષો ઉદ્ભવે છે. ક્ષણિકવાદી બૌદ્ધમતમાં નવ સાંધે ત્યાં તેર તૂટે' એના જેવો ઘાટ થાય છે, જ્યારે ઉત્પાદ્વ્યય-ધ્રૌવ્યવાળા વિજ્ઞાનમય આત્માને માનવામાં એક પણ દોષ નથી આવતો. નિત્ય-અનિત્ય ઉભયાત્મક આત્મા માનવામાં કોઈ દોષ આવતો નથી. આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org