Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પર્યાય કહે છે. દ્રવ્ય ગુણોનો સમૂહ છે અથવા પિંડ છે અને ગુણમાં સમયે સમયે પરિણમન થાય છે. અનંત ગુણ-પર્યાયવાળું દ્રવ્ય ત્રણે કાળ ટકનાર વસ્તુ છે. દ્રવ્યના ગુણપરિણમનથી ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા તે પર્યાય છે. પરંતુ તે અવસ્થાને ધારણ કરનાર સત્તા, અર્થાત્ દ્રવ્ય, તે નિત્ય છે. અનંત પર્યાયો બદલાવા છતાં દ્રવ્ય નિત્ય છે. શ્રીમદ્ લખે છે –
‘પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે; કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ - પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે; તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી; કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે.”
વસ્તુ સ્થિર રહે છે, એટલે તે નિત્ય છે તથા તેની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એટલે તે અનિત્ય છે. વસ્તુ પોતાના વસ્તુપણાને કદી છોડતી નથી, તેથી તે નિત્ય છે અને તે સદા નવી નવી અવસ્થારૂપે બદલાયા કરે છે, તેથી તે અનિત્ય પણ છે. વસ્તુ મૂળ દ્રવ્યથી નિત્ય છે, ધ્રુવ છે અને પર્યાયથી અનિત્ય છે. ઉત્પાદ-વ્યયસ્વભાવી તે ન તો સર્વથા નિત્ય જ છે અને ન તો સર્વથા અનિત્ય જ છે. એક જ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આમ, વસ્તુમાત્રનું નિત્યાનિત્ય સ્વરૂપ સિદ્ધ થાય છે.
- દરેક વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને - મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૯ (પત્રાંક-૫૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org