Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશ્વમાં પ્રત્યક્ષ જણાતાં પરિવર્તનો સાથે મેળ કરી શકતા નથી અને ગૂંચ વધારે છે. એ જ પ્રમાણે પદાર્થનું વિનશ્વર સ્વરૂપ માનનારા જીવો પદાર્થના સ્થાયી તત્ત્વથી વંચિત રહે છે અને અનેક વિટંબનાઓમાં અટવાઈ જાય છે. આમ, વસ્તુને ફક્ત નિત્ય કહેવી એ અધૂરો સિદ્ધાંત છે અને વસ્તુને ફક્ત અનિત્ય જ કહેવી એ પણ અધૂરો સિદ્ધાંત છે. આ બન્નેને એકાંત કહેવાય છે. એક જ અપેક્ષાથી જોવું તે એકાંતવાદ, તે અપૂર્ણ છે, મિથ્યા છે. બધી અપેક્ષાઓથી વિચાર કરતાં સંપૂર્ણ સ્વરૂપ નિશ્ચિત થાય છે. તેને અનેકાંત કહેવાય છે. વસ્તુ નિત્યાનિત્ય છે એ અનેકાંત સિદ્ધાંત છે, માટે તે સર્વાગ, સંપૂર્ણ સત્ય છે; તેથી વસ્તુને એકાંત નિત્ય પણ નહીં અને એકાંત અનિત્ય પણ ન માનતાં અનેકાંતથી નિત્યાનિત્ય જ માનવી જોઈએ. પદાર્થના ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ તેના પરિણામી સ્વરૂપનો પણ નિર્ધાર કરવો જોઈએ.
વસ્તુને વિભિન્ન અપેક્ષાઓથી સમજવી ઘટે છે. જે વસ્તુ એક અપેક્ષાએ નિત્ય છે તે જ વસ્તુ બીજી અપેક્ષાએ અનિત્ય છે એમ સાવાદ દષ્ટિ રાખવી ઘટે છે. સર્વ વસ્તુ સાપેક્ષ ભાવે હોવાના કારણે એક જ વસ્તુમાં, એક સમયે, એકસાથે નિત્ય-અનિત્ય એ બને ભિન્ન ભિન્ન ધર્મ હોવા છતાં કોઈ વિરોધ આવતો નથી. ઉપલક દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગે કે નિત્ય અને અનિત્ય એ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહી શકે? સ્થૂળ દષ્ટિએ એ સંભવિત નથી લાગતું, પરંતુ સૂક્ષ્મતાથી વિચાર કરતાં વસ્તુ સ્પષ્ટ રીતે એ બન્ને ધર્મવાળી જણાય જ છે. વસ્તુને દ્રવ્ય અને પર્યાયની જુદી જુદી અપેક્ષાએ વિચારતાં ખ્યાલ આવે છે કે નિત્ય અને અનિત્ય એ બન્ને વિરોધી ધર્મો દરેક વસ્તુમાં સાથે રહેલા છે. નિત્યત્વ ધર્મ અને અનિયત્વ ધર્મ પરસ્પર વિરોધી છે, પરંતુ અવિરોધીપણે સાથે રહીને વસ્તુની નિર્દોષ વ્યવસ્થા જાળવવામાં પોતાનો ફાળો આપે છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તે વસ્તુને નિપજાવનારા છે અને તેથી તે દરેક વસ્તુમાં હોય છે. વસ્તુ આ વિરોધી ધર્મોને સાથે લઈને રહેલી છે, તેથી ‘ટકીને બદલવું' અર્થાત્ બદલવા સાથે કાયમ રહેવું' એવું દરેક વસ્તુનું સ્વરૂપ છે.
વસ્તુના નિત્ય-અનિત્ય ધર્મોનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એકીસાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા કરાય છે, અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુના જે ધર્મની જે વખતે અપેક્ષા હોય છે, તે વખતે તે ધર્મને આગળ કરીને વસ્તુને ઓળખવામાં આવે છે. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે, તેથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્ર– બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે. ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને - પિતૃત્વ ધર્મની અપેક્ષાથી તેને પિતા કહેવામાં આવે છે અને ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org