Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. તેથી બાળકના સ્મરણાત્મક જ્ઞાન ઉપરથી એ નક્કી થાય છે કે તેને આ અનુભવ પૂર્વે થયો હોવો જોઈએ. આ અનુભવ આ ભવમાં થયો નથી એ તો સ્પષ્ટ છે, તેથી આ અનુભવ આ જન્મ પૂર્વે તેને ક્યારેક થયો છે એમ માનવું ઘટે છે. વળી, સામાન્યપણે જે વસ્તુને પોતે અનુભવી કે જોઈ નથી હોતી, તેને તે વ્યક્તિ જાણી શકતી નથી. જન્મેલું બાળક કે જેણે આ ભવમાં સ્વયં મરણનો ત્રાસ અનુભવ્યો નથી કે અન્યના મરણનો ત્રાસ જોયો નથી, તેને પણ - ‘ભૂખના કારણે મરણ થશે' એવો ડર શા માટે લાગે છે? માટે સિદ્ધ થાય છે કે તે બાળકે પૂર્વભવમાં મરણને અનુભવ્યું, જોયું હોવું જોઈએ; અને તેથી નિશ્ચિત થાય છે કે આત્મા નિત્ય છે.
મૃત્યુના જ્ઞાન વિના મૃત્યુનો ભય કોઈ કદી ન પામે. નવજાત શિશુને વર્તમાન જન્મમાં મૃત્યુનો અનુભવ થયો નથી, પરંતુ પૂર્વજન્મોમાં મૃત્યુનો અનુભવ થયો હોવાથી વર્તમાન જન્મમાં ‘ભૂખથી મારું મૃત્યુ થશે' એમ તે ભયભીત થાય છે અને તે જીવન ટકાવવા માટે સ્તનપાન કરે છે. ‘આ કાર્ય ભૂખનિવર્તક છે” એમ તેને પૂર્વ અનુભવ હોવાથી, તે ભૂખની નિવૃત્તિ અર્થે સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે. આ સંસ્કાર આ જીવનમાં પ્રાપ્ત થયા નથી, પરંતુ પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા છે એમ સ્વીકારતાં આત્માની નિત્યતા સહેજે સાબિત થાય છે.
જેમ વૃદ્ધ માણસને જોઈને એમ કહી શકાય કે આ પુરુષે યુવાની જોઈ છે, તેમ બાળકનો જન્મ થતાંની સાથે તેના વડે કરાતી સ્તનપાન વગેરે પ્રવૃત્તિ જોતાં તે કાર્ય પાછળ પૂર્વજન્મના સંસ્કાર તેમજ તે સંસ્કારને ગ્રહણ કરનાર નિત્ય આત્મા સાબિત થાય છે. પૂર્વજન્મ અને આ જન્મ વચ્ચે અનુસંધાન કરનાર આત્મા એક જ છે, જુદો નથી; તેથી આત્મા નિત્ય છે. આ રીતે બાળરુદન, સ્તનપાન આદિથી નિત્ય આત્માની સિદ્ધિ થાય છે.
આ ઉપરાંત નૈસર્ગિક કવિત્વ શક્તિવાળા આજન્મ કવિઓ, વિશિષ્ટ શક્તિવાળા બાળકો તથા જન્મજાત જોગી જેવા પૂર્વારાધક પુરુષો પણ જોવા મળે છે અને તે પણ પૂર્વજન્મના સિદ્ધાંતનું સમર્થન કરે છે. વિશિષ્ટ શક્તિવંત યોગીઓને પૂર્વારાધિત યોગસંસ્કાર સ્વયં સહેજે સ્કુરિત થાય છે. તેઓ પૂર્વે અધૂરા રહેલા યોગની કડીનું અનુસંધાન આ જન્મમાં અલ્પ પ્રયાસે શીઘ્રમેવ સાધી લે છે. મોક્ષપુરીમાં પહોંચવા નીકળેલા આ યોગમાર્ગના પ્રવાસીઓ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને, ભવાંતરગમનરૂપ રાત્રિયાસ કરી વિશ્રાંતિ લે છે અને પુનર્જન્મરૂપ બીજા દિવસે અપૂર્વ ઉત્સાહથી યોગમાર્ગની મુસાફરી આગળ ધપાવે છે.
બીજાઓને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે અલ્પમાત્ર થાય છે, તે સંસ્કાર આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે, સહેજે પ્રગટ હોય છે અને તે તેમનું પૂર્વજન્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org