Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૭
૩૬૯ બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની ઇચ્છા થાય છે અને વિના શિક્ષણે તે સ્તનપાન કરે છે એ સૌને અનુભવસિદ્ધ છે. જન્મતાંની સાથે બાળક રુદન કરે છે અને ભૂખ લાગતાં જ તરત સ્તનપાન કરવા લાગે છે. બાળક માતાનું સ્તનપાન કરીને દૂધ પીએ છે અને પેટની સુધાને તૃપ્ત કરે છે. આ ક્રિયા તેને કોણે શીખવી? તરત જન્મેલા બાળકને ભૂખ લાગતાં સ્તનપાન કરવું અને ધરાઈ જતાં છોડવું એ કઈ રીતે આવડ્યું? બાળકને આ શિક્ષણ કોઈએ આપ્યું ન હોવા છતાં તે તથારૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી એ પ્રવૃત્તિ પાછળ કોઈક કારણ અવશ્ય હોવું જોઈએ. તે કારણ છે આત્માના પૂર્વજન્મોના સંસ્કાર, પૂર્વજન્મોના સંસ્કાર વિના આ પ્રવૃત્તિ સંભવે નહીં. અભ્યાસ વિના જીવને આ ક્રિયા આવડે નહીં, માટે આ ક્રિયાનો અભ્યાસ બાળકે પૂર્વભવમાં જરૂર કર્યો છે. જન્મતાં જ બાળક પોતાની મેળે સ્તનપાન કરે છે. તેના ઉપરથી વ્યક્તપણે જણાઈ આવે છે કે આ તેનો પૂર્વભવનો અભ્યાસ છે.
બાળકને જન્માંતરમાં માતાના સ્તનપાનનું જ્ઞાન થયું હોય છે. પૂર્વના જન્મોમાં જે રીતે સ્તનપાન કર્યું હતું એનું તેને સ્મરણ છે અને તેથી જ તે જમ્યા પછી તુરંત સ્તનપાન કરે છે. વારંવાર, જન્મોજન્મ તે અભ્યાસ થવાથી જન્મતાંની સાથે જ સ્તનપાનની આકાંક્ષા રહે છે અને તુરંત તેમાં પ્રવૃત્તિ થાય છે. આ પૂર્વજન્મના અનુભવની સ્કૃતિનું અવિરુદ્ધ પ્રમાણ છે. આ હેતુ અસિદ્ધ પણ નથી, કારણ કે જે પદાર્થનો પૂર્વે અનુભવ કર્યો હોય તેની જ આકાંક્ષા થાય છે. તે વિના તેની આકાંક્ષા થાય જ નહીં. આ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યત્વ ષસ્થાન ચઉપઇ” માં લખે છે કે –
બાલકને સ્તનપાન પ્રવૃત્તિ પૂરવભવ વાસના નિમિત્ત |
એ જાણો પરલોક પ્રમાણ કુણ જાણઇ અણદીઠું ઠામ || જન્મ પછી બાળકને સ્નાન કરાવી માતા બાળકને પોતાના સ્તન પાસે લઈ જાય છે ત્યારે એમાંથી દૂધ પીવાની ક્રિયા તો બાળક સ્વયમેવ જ કરે છે. “સ્તનપાન કરવું એ મારા જીવનને ટકાવવા માટે ઇષ્ટ સાધન છે' એવું ઇષ્ટ સાધનતાજ્ઞાન હોવારૂપ કારણ હાજર ન હોય તો આ કાર્ય અસંભવિત રહે છે. તેથી બાળકની એ પ્રવૃત્તિ ઉપરથી ‘તેને એ ઇષ્ટ સાધનાતાજ્ઞાન છે' એવું તો સિદ્ધ થઈ જાય છે. હવે ‘મુખની આવી પ્રવૃત્તિ કરવાથી સ્તનપાન થાય અને તેનાથી જીવન ટકે' એવું બાળકે અહીં તો કશે પણ જોયું કે અનુભવ્યું નથી અથવા કોઈની પાસેથી જાણ્યું પણ નથી, માટે તેનું એ ઇષ્ટ સાધનતાજ્ઞાન અનુભવરૂપ નથી એ પણ સિદ્ધ થાય છે. તેથી એમ કહી શકાય કે બાળકનું તે ઇષ્ટ સાધનતાજ્ઞાન સ્મરણરૂપ છે. પૂર્વ અનુભવ વિના સ્મરણ થતું નથી. જે જે વ્યક્તિને જેનો જેનો અનુભવ થયો હોય તે તે વ્યક્તિને જ તેનું સ્મરણ થાય ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ ષસ્થાન ચઉપઇ', ગાથા ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org