Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
3७८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અવતરવું. પુનર્જન્મ એટલે ફરીથી જન્મ લેવો. ફરીથી જન્મ લેનાર કોણ છે? પુનર્જન્મ કોનો? આત્માનો કે શરીરનો? શું શરીર ફરીથી જન્મે છે ખરું? ના. બળીને ભસ્મ થઈ ગયેલા શરીરનું પુનરાગમન, ફરીથી આવવું તો ક્યાંથી સંભવે? એ તો ક્યારે પણ સંભવે નહીં. શરીર જો અહીં જ બળી ગયું તો અવશિષ્ટ શું રહ્યું? આત્મા. આત્મા બળતો નથી, નષ્ટ થતો નથી, મરતો નથી. શરીર જડ, વિનાશી, અશાશ્વત છે; જ્યારે આત્મા ચેતન, અવિનાશી, શાશ્વત છે. મૃત્યુ પછી આત્મા જ અવશિષ્ટ રહે છે અને તે જ નવા ઉત્પત્તિસ્થાનમાં જાય છે.
મૃત્યુ એટલે આત્મા અને શરીરનો વિયોગ. જીવ જ્યારે શરીરને છોડીને ચાલ્યો જાય છે ત્યારે મરણ થાય છે. જીવ શરીરને છોડી ગયા પછી જે મૃત કલેવરરૂપે પડી રહેલું શરીર છે, જેમાં હલન-ચલન, બોલવા-સાંભળવા વગેરે કોઈ ક્રિયા રહી નથી; તેવા મૃત કલેવરને બાળવામાં આવે છે. બધી ક્રિયા કરનારો જે જીવ છે તેના ગયા પછી, અર્થાત્ શરીર છોડીને જીવના ચાલ્યા ગયા પછી જે નિર્જીવ અવસ્થાનું શરીર છે - મૃત શરીર છે તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, અગ્નિ વડે તે દેહને દાહ આપીને ભસ્મ કરવામાં આવે છે. આ વખતે તેનામાં જીવ નથી એની ખાતરી એ છે કે શરીર બળવા છતાં કોઈ વેદના, દુઃખ, ત્રાસ, તકલીફ નથી અનુભવાતી. તે જ બતાવે છે કે વેદના, દુઃખને અનુભવનારો ત્યાં નથી રહ્યો. આત્મા ત્યાં નથી રહ્યો, માત્ર શરીર જ બળે છે. માટે એક વાત નિશ્ચિત થઈ જાય છે કે મૃત શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે એટલે શરીરને ફરીથી જન્મ લેવાપણું નથી. ફક્ત આત્મા જ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે અને ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થઈને નવીન શરીર ધારણ કરે છે. શરીર પાછું આવતું નથી, આત્માનો જ પુનર્જન્મ થાય છે. મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ ટકે છે અને તે નવા જન્મમાં જાય છે.
પૂર્વજન્મ તથા પુનર્જન્મનો સ્વીકાર થતાં જીવના અનંત પરિભ્રમણનો સ્વીકાર થાય છે. એક દિવસ જેનો જન્મ થાય છે તે, જન્મ પછી અમુક વર્ષનો કાળ જીવન તરીકે વિતાવે છે અને પછી એક દિવસ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે એટલે એક ભવ પૂરો થાય છે અને પછી તે બીજા ભવમાં જાય છે. મૃત્યુ પછી જીવ બીજા ભવના જન્મસ્થાને જાય છે. બીજા ભવ પછી ત્રીજો ભવ એમ પરંપરાથી અનેક ભવો થાય છે. આજ સુધીમાં જીવના અનંત ભવો થઈ ગયા છે.
સમુદ્રના જલબિંદુઓની જેમ ભવોની સંખ્યા અપાર છે. જીવ ભવાંતર કરતો કરતો જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થાય છે. તે ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તે ક્યારેક દેવ તો ક્યારેક મનુષ્ય, ક્યારેક પશુ તો ક્યારેક નારકી બને છે. જીવ વિવિધ ગતિમાં, જાતિમાં તથા યોનિમાં ઉત્પન્ન થયો છે, મર્યો છે. ચાર ગતિમાં, પાંચ જાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org