Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “આ સંસારમાં જે જે પદાર્થો સંયોગજન્ય હોય છે. તેઓનો જ વિનાશ હોય છે. જેમ ઘટ-પટ સંયોગજન્ય છે તેથી તેઓનો વિનાશ પણ છે. પરંતુ જે જે પદાર્થો સંયોગજન્ય નથી તે તે પદાર્થોનો વિનાશ પણ હોતો જ નથી. જેમકે આકાશ. એ રીતે આત્મા પણ કોઈ પણ પ્રકારના અવયવોના સંયોગ વડે જન્ય નથી માટે તેનો વિનાશ પણ નથી. તેથી આ આત્મા સદાકાળ નિત્ય છે.'
આત્મા નિત્ય હોવા છતાં શિષ્ય તેને અનિત્ય માની બેઠો છે. આત્માને યથાર્થ સ્વરૂપે તે ઓળખતો નથી. આત્માનાં ઉત્પત્તિ-નાશ માનવાં એ ભ્રાંતિ છે. વિચાર કરતાં સમજાય છે કે આત્મા જડ કે ચેતન કોઈ પણ પ્રકારના પદાર્થોના સંયોગથી ઊપજતો નથી. આત્મા સ્વાભાવિક દ્રવ્ય છે, અસંયોગી છે. તેનો નાશ થવો, તેનું અન્ય દ્રવ્યમાં ભળી જવું શક્ય નથી. આત્મા અનુત્પન્ન અને અવિનાશી હોવાથી નિત્ય, શાશ્વત પદાર્થ છે એમ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. અનુત્પન અને અવિનાશી એવો આત્મા નિત્ય છે, ત્રિકાળવત સદાસ્થાયી પદાર્થ છે, શાશ્વત સનાતન વસ્તુ છે એવી વિચારવાનને અવશ્ય પ્રતીતિ થાય છે. વિચારવાન જીવને આત્માની નિત્યતાનો દઢ નિર્ધાર થાય છે. આમ, અહીં તર્કયુક્ત દલીલથી શ્રીગુરુએ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માની નિત્યતા સિદ્ધ કરી છે. એનું સમ્યફપણે ગ્રહણ કરવાથી દેહાદિથી ભિન્ન જ્ઞાન-દર્શનમય આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે છે એવી અડગ શ્રદ્ધા થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
કોઈ સંયોગોથી નહીં, ઊપજે જેમ આકાશ; તેમ જીવની ઉત્પત્તિ, માનો માત્ર આભાસ. જેમ ન અન્ય સંયોગથી, જેની ઉત્પત્તિ થાય; તો પછી કોઈ રીતે કરી, નાશ ન તેનો થાય. સર્વ પદારથને વિષે, કરે જ્ઞાનથી વાસ; નાશ ન તેનો કોઈમાં, નિત્યપણું એ ખાસ. જન્મી તરત તે આત્મા, સ્તનથી દૂધ પીવાય; પૂર્વ જન્મ અભ્યાસથી, તેથી નિત્ય સદાય.” ૨
૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ.૪૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ' , ગાથા ૨૬૧-૨૬૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org