Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન થાય છે; માટે પૂર્વજન્મના સંસ્કાર ગ્રહણ કરનાર નિત્ય આત્મતત્ત્વ અવશ્ય માનવું જોઈએ.
દીકરા ઉપરથી તેના પિતા અને તેમના પણ પિતા હતા એમ નક્કી થાય છે. તે રીતે અત્યારે જે ક્રોધાદિ ભાવોની તરતમતા છે, તે જોઈને પૂર્વે આત્મા હતો અને પૂર્વેની પૂર્વે પણ આત્મા હતો એ વાત નક્કી થાય છે. જો આત્મા પૂર્વે હતો એમ ન માનવામાં આવે તો આત્મામાં ક્રોધાદિ ભાવોનું ન્યૂનાધિકપણું શા માટે છે વગેરે પ્રશ્નો ઊઠે છે. માટે પૂર્વજન્મો માનવા ઘટે છે. આત્માનો પૂર્વજન્મ છે અને તેના પણ પૂર્વજન્મો, તેના પણ પૂર્વજન્મો એમ ભૂતકાળના અનંત ભવો હતા એમ સિદ્ધ થાય છે અને આ ભવ પછીના ઉત્તરભવો પણ છે જ એમ પણ નક્કી થાય છે. જે જીવા પૂર્વજન્મમાં હતો, તે જ જીવ આ જન્મમાં પણ છે અને ભાવિમાં પણ રહેવાનો છે. આ પ્રકારે કારણ-કાર્યની પરંપરાથી જીવનું નિત્યપણું સિદ્ધ થાય છે.
આમ, ક્રોધાદિ પ્રકૃતિઓની જે તરતમતા સર્પાદિ જીવોમાં જોવા મળે છે તે પૂર્વજન્મના સંસ્કારને સિદ્ધ કરે છે. સાપ-મોર આદિના વેરથી વ્યતીત જન્મની સિદ્ધિ થાય છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં સાબિત થાય છે કે આત્મા મરતો નથી, આત્મા સદા અવિનાશી તત્ત્વ છે. આ રીતે ક્રોધાદિ ભાવોની તરતમતા ઉપરથી આત્માની નિત્યતાનો ખ્યાલ આવે છે. આ વિચિત્ર જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિઓનું જે તરતમપણું જોવા મળે છે, એનો સૂક્ષ્મતાથી વિચાર કરવાથી આત્માના નિત્યપણાનું અનુમાન થાય છે.
જીવોમાં જોવા મળતી પ્રકૃતિની ન્યૂનાધિકતા વિષે કેટલાક એમ કહે છે કે પંચ ભૂતના સ્વભાવથી જ આ વિચિત્રતા ઉત્પન્ન થયેલી છે. સ્વભાવથી ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે સ્વાભાવિક રીતે પોતાની મેળે જ ઉત્પન્ન થયેલી વિચિત્રતા પાષાણ અને રત્નાદિમાં પણ હોય છે, એટલે કે સર્વથા અચેતન પદાર્થોમાં પણ જોવા મળે છે, તો સ્વભાવના કારણે સચેતન મનુષ્યાદિમાં વિચિત્રતા જોવા મળે તેમાં શું નવાઈ? તેમનું માનવું એમ છે કે પંચ ભૂતોના સંમિશ્રણમાં એવો સ્વભાવ છે કે તેનાથી આ વિવિધતા દેખાય છે. અગ્નિ આકાશને કેમ બાળતો નથી? એવો પ્રશ્ન કોઈ કરતું નથી, કારણ કે તેનો સ્વભાવ જ કાષ્ઠાદિને બાળવાનો છે, આકાશને બાળવાનો નહીં. એ પ્રમાણે ભૂતોની અચિંત્ય શક્તિ છે અને તેથી સર્વત્ર વિવિધતા જોવા મળે છે, તો પછી શા માટે પૂર્વજન્મના સંસ્કાર માનવા જોઈએ? આત્મા, પરભવ, ત્યાં રહણ કરેલાં સંસ્કાર, તેનો ઉદ્બોધ, તે ઉદ્બોધનાં નિમિત્તો, કાળાંતરે સંસ્કારનો વિનાશ વગેરે માનવાનું કોઈ પ્રબળ કારણ છે જ નહીં.
આ દલીલ યુક્તિયુક્ત નથી, કારણ કે વિશ્વમાં રહેલી સર્વ વિવિધતાઓને સ્વભાવ ઉપર છોડી દેવામાં આવે તો કાર્ય-કારણની જે વ્યવસ્થા છે તે નાશ પામે અને તે વ્યવસ્થાનો લોપ થતાંની સાથે જ સઘળો વ્યવહાર સ્થગિત થઈ જાય. વ્યવહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org