Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૬
૩૫૭
એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.”
આત્માને કોઈ પણ પ્રકારે ઉત્પન્ન કરી શકાતો નથી તેમજ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કરી શકાતો નથી. નવીન આત્માને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી અને તેનો ઘાત પણ કોઈ કરી શકતું નથી. આત્મા શસ્ત્રોથી છેડાતો નથી, ભેદાતો નથી. અગ્નિ તેને બાળી શકતો નથી. ઘણી ઊંચાઈથી પ્રાણી પડે તો તેના દેહનો નાશ થઈ જાય છે, પરંતુ ક્યારે પણ આત્માનો નાશ થતો નથી. તે સમયે આત્મા અને શરીરનો વિયોગ થાય છે, બાકી આત્માને કંઈ થતું નથી. આત્મા અમર છે. આત્મા મરતો નથી. તે શરીરને છોડીને જતો રહે છે. મૃત્યુ વખતે આત્મા જૂનું શરીર છોડી દે છે અને નવા શરીરમાં ચાલ્યો જાય છે. જેમ જીર્ણ વસ્ત્ર કાઢી નાખીને નવું વસ્ત્ર પહેરવામાં આવે છે, તેમ આત્મા જૂનું શરીર મૂકીને નવું શરીર ધારણ કરે છે. તે ચોર્યાસી લાખ યોનિમાં નવાં નવાં શરીર ધારણ કરે છે. નિત્ય, ધ્રુવ એવો આત્મા શરીરો બદલતો જાય છે અને મનુષ્ય, તિર્યંચ આદિ જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. અનાજમાં જેમ પારાની ટીકડી નાખવાથી અનાજ સડતું નથી, તેમ આત્મા શરીરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી શરીર સડતું નથી. આત્મા શરીરમાંથી નીકળી જાય કે તરત જ તેમાં બગાડ શરૂ થવા માંડે છે. તેથી મૃત શરીરને કોઈ ઘરમાં રાખતું નથી અને તેને જેમ બને તેમ જલદીથી બાળી નાંખવામાં કે દફનાવવામાં આવે છે.
આત્મા કદી નાશ ન પામે એવી સનાતન વસ્તુ છે. ભલે ચક્ષુ, હસ્ત વગેરે અંગ નષ્ટ થઈ જાય, પણ આત્માનો એક અંશ પણ નાશ પામતો નથી. પૂર્વભવમાં આત્માના જેટલા પ્રદેશો હોય તેટલા પ્રદેશો સહિત જ વર્તમાન ભવમાં આત્મા શરીરમાં બિરાજે છે. આત્મા વર્તમાન દેહ મૂકી દે ત્યારે તે પોતાના અસંખ્ય પ્રદેશ સહિત બીજી જગ્યાએ જાય છે, એટલે કે તેનો એક પણ પ્રદેશ ખંડિત થતો નથી. આત્મા અનંત કાળથી ચતુર્ગતિનાં અનંત દુઃખને વેદતો વેદતો સંસારમાં ફરે છે, છતાં તેના અસંખ્યાત પ્રદેશોમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. તે સંપૂર્ણપણે પોતાના સ્વરૂપે અખંડિત રહ્યો છે, રહે છે અને રહેશે. ત્રણે કાળ તેનું તેમ જ હોવાપણું છે.
આત્મા સત્પદાર્થ છે અને તે ત્રિકાળવર્તી છે. આત્મા ઉત્પન્ન થતો ન હોવાથી પૂર્વકાળમાં પણ તે હતો, વર્તમાનમાં છે અને મરણ વખતે આત્મા નાશ ન પામતાં શરીરને છોડીને બીજે જતો રહેતો હોવાથી ભવિષ્ય કાળમાં પણ તે રહે છે. કોઈ પણ સંયોગી પદાર્થ ત્રિકાળ ટકી શકતો નથી, પણ જે અસંયોગી પદાર્થ હોય છે તે ત્રિકાળ ટકે છે. તેથી આત્મા નિત્ય છે. શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા લખે છે કે – ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૫ (પત્રાંક-પ૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org